આઈસીડીએસ વિભાગે 27 કટ્ટાનો જથ્થો સીઝ કરી તપાસ શરૂ કરી
કોડીનાર-કોટડા રોડ પર આંગણવાડી માટેના પોષણ આહારનો 27 કટ્ટાનો જથ્થો શંકાસ્પદ સંજોગોમાં મળી આવતા જાગૃત નાગરિકોની સતર્કતાથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘટનાની જાણ 112 ઇમરજન્સી હેલ્પલાઇનને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ આઈસીડીએસ વિભાગના અધિકારીઓની હાજરીમાં સમગ્ર જથ્થો કબજે લઈ સીઝ કરવામાં આવ્યો હતો અને સરકારી ગોડાઉનમાં જમા કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દામલી ગામેથી ૠઉં-11-ણ-9793 નંબરના ટાટા કંપનીના છોટા હાથી વાહનમાં ડ્રાઇવર નિલેશભાઈ ઘનજીભાઈ જેઠવા આંગણવાડીનો માલ લઈને નીકળ્યો હતો. આ અંગે દામલી ગામના જાગૃત યુવાનોને શંકા જતાં તેમણે ગામના સરપંચ તથા સરપંચ પ્રતિનિધિને જાણ કરી હતી. ત્યારબાદ વાહનનો પીછો કરી કોડીનાર નજીક દેવળી રોડ પર તેને રોકવામાં આવ્યું હતું.ડ્રાઇવર પાસે માલ અંગે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતા 112 હેલ્પલાઇનને જાણ કરવામાં આવી હતી. પોલીસે વાહનને કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આઈસીડીએસ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ઈ.સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકા તથા વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન વાહનમાંથી પૂર્ણા શક્તિની 13 બેગ, મા શક્તિની 1 બેગ, બાલ શક્તિની 5 બેગ, ચણાના 2 કટ્ટા, તુવેર દાળનો 1 કટ્ટો તથા સત્વ આટાની 3 બેગ (જેમાંથી 2 બેગ ફાટેલી હાલતમાં હોવાનું જણાવાયું) મળી કુલ 27 કટ્ટા જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. સમગ્ર જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યો છે.
આ અંગે દામલી ગામના ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે.
ડ્રાઈવર દ્વારા માલ ગૌશાળામાં પહોચાડવાનો દાવો
આ અંગે આઈસીડીએસ અધિકારી મોરીબેન નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ડ્રાઇવર માલ ક્યાંથી લાવ્યો અને કોના કહેવાથી લઈ જતો હતો તે અંગે સ્પષ્ટ માહિતી આપી શક્યો નથી. હાલ સમગ્ર જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે. સાથે જ કોડીનાર તાલુકાની તમામ આંગણવાડીઓમાં મુખ્ય સેવિકાઓ દ્વારા જથ્થાનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં પણ જથ્થામાં કોઈ ગેરરીતિ અથવા શંકાસ્પદ ઘટાડો જણાશે ત્યાં નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ ડ્રાઇવર દ્વારા માલ ગૌશાળામાં પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે, પરંતુ તે કોના આદેશથી જતો હતો, માલ કઈ આંગણવાડીમાંથી લેવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના તમામ મુદ્દાઓ તપાસ હેઠળ હોવાનું આઈસીડીએસ વિભાગે જણાવ્યું છે.
