પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પ્રેમી અને તેના સાગરીતે મધુરમ વિસ્તારમાં મહિલા પર કર્યો હતો હુમલો
જૂનાગઢની સેસન્સ કોર્ટ દ્વારા પ્રેમ સંબંધનો અંત લાવવાના મનદુ:ખમાં પરિણીત મહિલા પર તીક્ષ્ણ છરી વડે જાનલેવા હુમલો કરનાર બે આરોપીઓને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સેસન્સ કેસ નંબર 51/2025 માં સરકારી પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને તબીબી અહેવાલોને ધ્યાને રાખી અદાલતે આ આકરો હુકમ સંભળાવ્યો છે.
કેસની વિગત મુજબ, રાજકોટના શાપર-વેરાવળ ખાતે સબમર્સિબલ પંપ બનાવતી કંપનીમાં કામ કરતી વખતે સરોજબેન સંજયભાઈ ટાટા નામના મહિલાને ભાવનગરના અશ્વિન નારણભાઈ સોલંકી સાથે પરિચય થયો હતો અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, પરિવારને આ અંગે જાણ થતાં સરોજબેન પોતાના પરિવાર સાથે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેવા આવી ગયા હતા અને અશ્વિન સાથેના સંબંધો પૂરા કરી દીધા હતા. તેમ છતાં અશ્વિન સોલંકી સતત ફોન કરીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.
દરમિયાન 15 મે, 2025 ના રોજ બપોરના આશરે દોઢ વાગ્યે સરોજબેન મધુરમ વિસ્તારમાં દુકાનેથી છાશ લઈને એકલા પોતાના ઘરે ચાલીને જઈ રહ્યા હતા. તે વખતે નીધી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે બાઈક પર આવેલ અશ્વિન સોલંકી અને તેની પાછળ બેઠેલા ઉસ્માનગની ઉર્ફે સતાર ભાડુલાએ તેમને ઘેરી લીધા હતા. અશ્વિને “આજે આને પતાવી દેવાની છે, જીવતી ન રહેવી જોઈએ” તેવી ઉશ્કેરણી કરતાં ઉસ્માનગનીએ પોતાની પાસે રહેલી છરી વડે સરોજબેનની કમર, છાતી અને પેટના ભાગે ઉપરાઉપરી ત્રણ પ્રાણઘાતક ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો અને પરિજનો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે જૂનાગઢ ’સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ અધિકારીએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. અદાલતમાં સરકારી વકીલની દલીલો અને તબીબી પુરાવાઓને ગ્રાહ્ય રાખી સેસન્સ જજે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 109(1) હત્યાનો પ્રયાસ અને કલમ 61(2) ગુનાહિત કાવતરું હેઠળ આરોપી અશ્વિન સોલંકી અને ઉસ્માનગનીને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
આ કેસમાં સેશન્સ જજ ભુપેન્દ્ર કુમાર દવે એ તમામ પુરાવાઓ અને દલીલો ધ્યાને લઈ તારીખ 31/07/2026 ના રોજ આ ચુકાદો આપ્યો હતો. સરકારી પક્ષે . પી.પી. એન. કે. પુરોહિતે ધારદાર રજૂઆતો, મૌખિક તથા તબીબી પુરાવાઓ રજૂ કરીને ગુનો સાબિત કર્યો હતો. કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ આરોપીઓને સજાનો હુકમ કર્યો છે.
