જૂનાગઢની ડો.સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ખોરાકમાં ઇયળના આક્ષેપોથી ચકચાર

આ બાબતની પુર્ણ તપાસ કરાશે: જવાહર ચાવડા

જૂનાગઢની ડો. સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા છ મહિનાથી જમવામાં ઇયળ, વાળ અને લોખંડની ખીલીઓ નીકળવા ના આક્ષેપએ શહેરના શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે. સુભાષ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલના મેસમાં અપાતા ભોજનમાં ગુણવત્તા જળવાતી નથી, અને છ મહિનાથી ખાવામાં ઇયળ, માથાના વાળ, અને લોખંડની ખીલી નીકળતી હોવાની ફરિયાદોને પગલે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લો ચેડાં થઈ રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં રજૂઆત સાથે ઉગ્ર હોબાળો મચ્યો હતો અને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.
વિવાદ વધતાં મેનેજમેન્ટ પક્ષે ભોજનમાંથી ઈયળો નીકળવાની વાત સ્વીકારી લીધી હતી, જ્યારે જવાબદાર અધિકારીઓએ આ બાબતથી મોઢું ફેરવીને ઈનકાર કર્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો. અને એક તબક્કે પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જો કે, ગર્લ્સ હોસ્ટેલના મેસના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના વિરોધના પગલે જમવાની વ્યવસ્થામાં હવે તાકીદ રાખવામાં આવશે તેની ખાતરી આપી હતી.
ડો. સુભાષ એકેડેમી અને હાલની સુભાષ યુનિવર્સિટી માં વિદ્યાર્થીનીઓએ જમવાની બાબતે કરેલી ફરિયાદો અને હોબાળા બાદ ડો. સુભાષ એકેડેમીના સંચાલક જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની પૂર્ણ તપાસ કરવામાં આવશે અને જો કોઈની ભૂલચૂક હશે તો વિદ્યાર્થીનીઓને સંતોષ રૂપ વ્યવસ્થા ગોઠવાઈ જશે.

રિલેટેડ ન્યૂઝ