બિલ્ડર અશ્ર્વિનભાઈ અને પરિવારને માનસિક ત્રાસ આપી, બળજબરીથી સ્થાવર મિલકતો પડાવી લીધાની ફરિયાદ
આજના સમયમાં સમાજમાં વ્યાજખોરીનું દૂષણ દીવે-દિવસે વકરી રહ્યું છે અને સામાન્ય કે મધ્યમવર્ગીય નાગરિકો આ વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈને બરબાદ થઈ રહ્યા છે. તાજેતરમાં જુનાગઢ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વ્યાજખોરોના આતંકનો એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉંચા વ્યાજે નાણાં આપીને નિર્દોષ લોકોને માનસિક અને શારીરિક ત્રાસ આપવા તેમજ બળજબરીપૂર્વક તેમની સ્થાવર મિલકતો અને જમીન-દસ્તાવેજો પડાવી લેવાના મામલે પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને 2012 થી લઈને તા. 25/07/2026 સુધીના લાંબા સમયગાળા દરમિયાન આ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવી હતી. ફરીયાદી પક્ષ અશ્વિનભાઈના પરિવાર પર વ્યાજખોરોએ સકંજો કસી, ફરીયાદી પક્ષના પિતા અશ્વિનભાઇ દુર્લભજીભાઇ માળીને જરૂરિયાતના સમયે કેટલાક શખ્સો દ્વારા નાણાં આપવામાં આવ્યા હતા. પરંતુ આ નાણાં સામાન્ય વ્યાજે નહીં પરંતુ માસિક 2% થી લઈને 5% સુધીના ઉંચા અને મનસ્વી વ્યાજ દરે આપવામાં આવ્યા હતા. વ્યાજખોરોએ મૂળ રકમ કરતાં અનેક ગણી વધુ રકમ વસૂલવા છતાં અશ્વિનભાઇ પાસે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. સમયસર વ્યાજ કે પીએસની રકમ ન ચૂકવી શકાતા વ્યાજખોરોએ હદ વટાવી દીધી હતી અને પરિવારને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓમા વલ્લભભાઇ કે. ચાવડા, હમીરભાઇ મૂળીયાસીયા, કેતનભાઇ રાઠોડ, વિમલેશભાઇ ગલ, લખમણ ઉર્ફે બબુ નાથાભાઇ રબારી, જગદિશ ઉર્ફે કકન નાથાભાઇ નામના શખ્સો દ્વારા અશ્વિનભાઇ દુર્લભજીભાઇ માળી તથા તેમના પરિવારજનોને અવારનવાર ફોન કોલ્સ અને મોબાઈલ મેસેજ મોકલીને ગાળાગાળી કરવામાં આવતી હતી. વ્યાજની પઠાણી ઉઘરાણી માટે તેમને જાહેરમાં અપમાનિત કરવામાં આવતા હતા. અને જો ટૂંક સમયમાં નાણાં ચૂકવવામાં નહીં આવે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપવામાં આવતી હતી. તથા આરોપીઓ દ્વારા ડરાવી-ધમકાવીને કાયદેસરના હક્કની મિલકતો હડપ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ બળજબરીપૂર્વક ફરીયાદીના પરિવારની માલિકીની દુકાનો, પ્લોટો તેમજ કિંમતી જમીનના દસ્તાવેજો પોતાના કે અન્યના નામે કરાવી લીધા હતા. અને ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી ન સર્જાય અથવા તો વધુ નાણાં કઢાવી શકાય તે માટે અગાઉથી જ સહી કરાવીને કોરા ચેક, પ્રોમેસરી નોટ તથા ડાયરીઓમાં અલગ-અલગ પ્રકારના બળજબરીપૂર્વકના લખાણો લખાવી લીધા હતા. આ તમામ દસ્તાવેજો અને કાગળોના આધારે આરોપીઓ સતત પરિવારનું શોષણ કરી રહ્યા હતા.
પોલીસ દ્વારા ગુનો દાખલ અને આગળની તપાસ હાથ ધરાઇ
વ્યાજખોરોના આ ત્રાસથી કંટાળીને અને આખરે હિંમત દાખવીને ભોગ બનનાર પરિવારે કાયદાના દરવાજા ખટખટાવ્યા હતા. ફરીયાદી દ્વારા આપવામાં આવેલી ગંભીર વિગતો અને પુરાવાઓને ધ્યાને લઈને બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત તમામ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
