રસ્તા પર નાખેલી કપચી બીજા વરસાદમાં ફરી ધોવાઈ ગઈ, મનપા સામે રોષ
જૂનાગઢ મનપા તંત્રના દાવાઓ વચ્ચે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન શહેરમાં પડેલા હળવા વરસાદ સાથે જ ફરી એક પોલ ખુલી ગઈ છે. પ્રથમ વરસાદ પછી રસ્તા પર નાખેલી લાખો રૂપિયાની કપચી બીજા વરસાદમાં ફરી ધોવાઈ ગઈ છે, મુખ્ય માર્ગો પર ખાડારાજ સર્જાયું છે, જૂનાગઢ શહેરમાં બિસ્માર રસ્તાઓથી વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે, અને શહેરીજનો મનપાની નિષ્ફળ કામગીરીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.
જૂનાગઢ શહેરમાં છેલ્લા એક મહિનાથી ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે લોકોને આહલાદક ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યાં નજર પડે ત્યાં લીલોતરી છવાઈ છે પણ જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રી-મોનસૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ છતી થયા પછી, પ્રથમ વરસાદ બાદ શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓમાં તંત્ર દ્વારા લાખો રૂપિયા ખર્ચી, વેઠ ઉતારતા હોય તેમ, માત્ર કાકરી અને કપચી નાખી દીધી હતી. પરંતુ હાલમાં પડેલા હળવા વરસાદી ઝાપટાંમાં જ આ કપચીનું ધોવાણ થઈ ગયું હતું. અને માર્ગો પરથી કપચી ઉખડી જતાં ફરી પાછા ખાડાઓનું સામ્રાજ્ય ખડું થયું છે.
જેના કારણે મુખ્ય માર્ગો પર દ્વિચક્રી વાહનચાલકોના વાહનો સ્લીપ થઈ જવાના અને અકસ્માત સર્જાવાના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. બીજી બાજુ શેરી, ગલીઓ અને મહોલ્લાઓમાં બિસ્માર રસ્તાઓ, ખરાબ ગટર વ્યવસ્થા અને અધૂરા મૂકી દેવાયેલા રોડના કામોથી કાદવ, કીચડથી નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
જૂનાગઢ મનપાના આવા અણઘડ વહીવટ અને નબળી કામગીરીને કારણે જુનાગઢ વાસીઓ પરેશાન થઈ ગયા છે, વરસાદી પાણીથી ભરાયેલા ખાડાઓ ના દેખાતા વાહનચાલકો અને કાદવ કીચડમાં કારણે લોકો પડી રહ્યા છે, આખડી રહ્યા છે. સ્થાનિક રહીશોને પોતાના ઘરની બહાર નીકળવું કે પગપાળા ચાલવું પણ દુષ્કર બન્યું છે. ત્યારે મહાનગરપાલિકા દર વર્ષે પ્રી-મોનસુન કામગીરી અને રસ્તા રિપેરિંગના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળે છે. ત્યારે શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે કે, કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલીભગતને કારણે લોટ પાણી ને લાકડા જેવી કામગીરી કરવામાં આવે છે. તેના બદલે તંત્ર દ્વારા નગરજનોની પરેશાની જોઈ તાત્કાલિક ધોરણે મુખ્ય માર્ગોનું પેચવર્ક કરવામાં આવે, અને બિસ્માર રસ્તાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી જૂનાગઢવાસીઓની ઉગ્ર માગણી છે.
