ગુજરાતના 23 આઇપીએસને વિશિષ્ટ સન્માન બદલ પસંદગી મળતા પોલીસમાં આનંદનો અવસર
જુનાગઢને ફરજ નિષ્ઠ પોલીસ અધિકારીની સેવા સાથે જૂનો નાતો છે. આઝાદીકાળ પૂર્વે અને આઝાદી બાદ અનેક પોલીસ અધિકારીઓએ જુનાગઢમાં એવી ફરજ બજાવી છે કે, આજે પણ લોકો યાદ કરે છે. જૂનાગઢના નવાબના પોલીસ બેડામાં હરભાઈ દેસાઈ નામના પોલીસ કર્મચારીની એવી ઈમાનદારી હતી કે, કાદુ મકરાણીએ સિંધમાં ફાંસીએ ચડતા પહેલા ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેની ફાંસી વખતે હરભાઈ દેસાઈ કુરાનનું પઠન કરે… નવાબે ખાસ કાદુ મકરાણીની ઈચ્છા પૂરી કરવા હારભાઈ દેસાઈને સિંધ મોકલ્યા હતા..
જૂનાગઢમાં પોલીસ અધિકારી છેલશંકરભાઈ દવેની અમર યાદમાં પોલીસ સુપ્રી. છેલશંકર દવેના નામની પોલીસ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે, ત્યાર પછી વધુ એક જૂનાગઢના પોલીસ અધિકારીને તેમની નિષ્ઠાનો શિરપાઉ મળ્યો હોય, તેમ ગુજરાતના 23 આઈ.પી.એસ. અધિકારીઓને કાયમી આઇપીએસની પદવી એનાયતમાં જૂનાગઢમાં સારી ફરજ બજાવી યાદગાર બનેલા હર્ષદ મહેતાનો સમાવેશ થયો છે જે જુનાગઢ માટે ગૌરવ રૂપ બન્યું છે. તે સાથે ગુજરાત પોલીસ તંત્ર માટે એક અત્યંત ગૌરવ અને ખુશીના સંજોગોનું નિર્માણ થયું છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત કેડરના કુલ 23 આઈપીએસ. અધિકારીઓને કાયમી ભારતીય પોલીસ સેવા તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ યાદીમાં જુનાગઢ જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનું નામ પણ સત્તાવાર રીતે સામેલ છે. રાષ્ટ્રપતિની આ મંજૂરીને ગુજરાત પોલીસ વિભાગ માટે એક ઐતિહાસિક સિદ્ધિ અને અધિકારીઓની લાંબી નિષ્ઠાવાન સેવાના પ્રમાણરૂપ માનવામાં આવી રહી છે.
જુનાગઢવાસીઓની યાદમાં અકબંધ હર્ષદ મહેતાનો કાર્યકાળ
જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે હર્ષદ મહેતાએ બજાવેલી ફરજો આજે પણ નાગરિકોના મનમાં તાજી છે. તેમની ઓળખ માત્ર એક વહીવટી પોલીસ અધિકારી પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેઓ કાયદાના શાસનને સર્વોપરી માનનાર, નિર્ભય નિર્ણયો લેનાર અને ગુનાખોરી સામે ’ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવનાર તરીકે જાણીતા બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમના નામથી જ અસામાજિક અને ગુનાખોર તત્વોમાં ભયનો માહોલ સર્જાતો હતો, બુટલેગરો, જુગારના અડ્ડાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે ધરમૂળથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જનતા સાથે સીધો સંવાદ, નાગરિકોની ફરિયાદોનો ઝડપી નિકાલ અને પારદર્શક વહીવટના કારણે તેઓ લોકપ્રિય અધિકારી તરીકે ઉભરી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ તંત્રને વધુ સજ્જ, જવાબદાર અને પ્રજાલક્ષી બનાવવા માટે અનેક દિશા-નિર્દેશો અને અસરકારક પગલાં લેવાયા હતા.
