જૂનાગઢ અને ચોરવાડમાં 10 જુગારીઓ ઝબ્બે : ક્રાઈમ બ્રાંચનો સફળ દરોડો

રૂા. 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જુગારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સઘન પેટ્રોલીંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે બે અલગ-અલગ ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ 10 જુગારીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જૂનાગઢ શહેરના પી.ટી.સી. ગ્રાઉન્ડ પાછળ આવેલ રાયકાનગર, વ્રજવિહાર સોસાયટીમાં રહેતી વાલીબેન ઉર્ફે વિણાબેન સામતભાઈ હુણ પોતાના રહેણાંક મકાને બહારથી મહિલાઓને બોલાવી, ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડતી હતી. તેમજ પોતાના આર્થિક ફાયદા માટે નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતી હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતી 7 મહિલાઓ રંગેહાથ પકડાઈ આવી હતી. જો કે, મુખ્ય સંચાલક મહિલા હાજર મળી ન હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂા. 38,525 નો રોકડ મુદ્દામાલ જપ્ત કરી જૂનાગઢ ’સી’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જુગાર અંગે બીજી રેઇડ ચોરવાડ ગામના ભોલર બેચોક વાડી વિસ્તારમાં પાડી હતી, જ્યાં નાળિયેરીના બગીચા પાસે જાહેર રસ્તા પર કેટલાક શખ્સો ગોળ કુંડળું વળીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. પરંતુ પોલીસને જોતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં પોલીસે 3 ઇસમોને સ્થળ પર પકડી લીધા હતા જ્યારે 4 ઇસમો નાસી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે પટ માંથી રોકડા રૂા. 52,410 તથા 3 મોબાઇલ ફોન મળી કુલ રૂા. 1,12,410 નો મુદ્દામાલ જપ્ત કરી, ચોરવાડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર સફળ અને સરાહનીય કામગીરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. પટેલ, પી.એસ.આઈ. ડી. કે. પટેલ, એસ. એ. સોલંકી તથા પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ