જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાંથી 3.19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

તહેવારોના પગલે પોલીસ એલર્ટ બુટલેગરો પર બાજનજર

જુનાગઢજિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી-વિદેશી દારૂ તથા જુગારની બદીઓને નેસ્તનાબૂદ કરવા અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી કડક સૂચના અન્વયે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરકોટ ફુલીયા હનુમાન રોડ પર આવેલ ઉપરકોટ ઢોરા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બુટલેગર જયેશ ઉર્ફે ઇલુ અશોકભાઇ ગાગડીયા પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને સગેવગે કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસ રેડ જોતાં જ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. પરંતુ મકાનમાંથી રોયલ ચેલેન્જ, બ્લેક હોર્સ પ્રાઇડ, ઇમ્પીરીયલ બ્લૂ, રોયલ સ્ટેગ અને મેજિક મોમેન્ટ્સ જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સની નાની-મોટી કુલ 1500 નંગ વિદેશી દારૂની બોટલો, જેની કુલ કિંમત રૂા. 3,19,473 થાય છે, તે જપ્ત કરવામાં આવી હતી. નાસી છૂટેલા આરોપી જયેશ ગાગડીયા વિરુદ્ધ પ્રોહીબીશન ધારાની કલમ હેઠળ જૂનાગઢ શહેર ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. પટેલ તથા તેમની ટીમના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ