કેશોદથી સોંદરડા રોડ પર એસટી બસની ઠોકરે બાઈક ચાલક યુવતીનું કરૂણ મોત

નર્સિંગમાં અભ્યાસ કરતી 19 વર્ષીય આશાસ્પદ યુવતી વતન જતા દરમિયાન કરૂણાંતિકા

કેશોદ – સોંદરડા રોડ પર આજે એક એસટી બસ એ એકટીવા બાઈકને હડફેટે લેતા નર્સિંગનો અભ્યાસ કરતી એક 19 વર્ષીય આશાસ્પદ યુવતીનું કરૂણ મોત નીપજતા, પરિવારજનો ઊંડા શોકમાં ડૂબ્યા છે, તો કેશોદ અને પાણખાંણ ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
સોમનાથ – દહેગામ રૂટની એસટી બસ એ આજે કેશોદ થી સોંદરડા જતાં રોડ પર એકટીવા બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇકનો કચરઘાણ બોલી ગયો હતો, જ્યારે બાઇક ચાલક યુવતી કુજલબેન વિક્રમસિંહ ગાંગણા (ઉ.વ. 19) ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, આ ઘટના અંગેની 108 ને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને 108ના તબીબે ઘવાયેલી યુવતી કુજલબેન ગાંગણાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, દરમિયાન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી, મૃતદેહને પીએમ માટે મોકલી આપી, આ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.
દરમિયાન પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ, કેશોદના કૃષ્ણનગરમાં પરિવાર સાથે રહેતી 19 વર્ષીય યુવતી કુજલબેન વિક્રમસિંહ ગાંગણા નર્સિંગનો અભ્યાસ કરતાં હોવાનું તથા યુવતીના પિતા માંગરોળ મરીન કમાન્ડોમાં ફરજ બજાવતાં હોવાની તથા મરણ જનાર યુવતી કુજલબેન ગાંગણા કેશોદથી તેના વતન પાણખાણ બાઈક લઈ જઈ રહી હતી ત્યારે એસટી બસ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં આ આશાસ્પદ યુવતીનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું, અને પરિવાર એ વ્હાલસોયી આશાસ્પદ દિકરીને અકાળે ગુમાવતા આખો પરિવાર ઊંડા શોકમાં ડૂબ્યા છે.

રિલેટેડ ન્યૂઝ