37 વર્ષ પૂર્વે વિજકંપનીએ ખેડૂતોને વળતર ચુકવ્યા વિના થાંભલા ઉભા કર્યા

જૂનાગઢમાં વર્ષો જૂની વિજલાઈન મુદે ખેડૂતોની આંદોલનની ચીમકી : ધારાસભ્યને આવેદન પાઠવ્યું

જૂનાગઢ જિલ્લામાં વર્ષ 1987 માં નંખાયેલી 220 કેવી જેતપુર-શાપુર વીજ લાઈન મુદે ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાનું વિચારી લીધું છે. અને આ અંગે કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ, એક માહિતી અધિકાર અંગેની અરજી દ્વારા ખુલાસો થયો છે કે, 37 વર્ષ પહેલાં તંત્ર અને જેટકો કંપનીએ ખેડૂતોની મંજૂરી કે વળતર આપ્યા વિના ગેરકાયદેસર રીતે વીજ થાંભલા ઊભા કરી દીધા હતા. આ અન્યાય સામે કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખેડૂતોએ તંત્રને યોગ્ય વળતર અને જમીનનું ભાડું ચૂકવવા 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ઉકેલ નહીં આવે તો કટર મશીન વડે થાંભલા કાપી નાખવાની અને ભૂખ હડતાલ કરવાની ચીમકી આપી છે. ખેડૂત આગેવાન રમેશભાઈ ઝાલાએ જણાવ્યુ કે, જો 15 દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે તો અસરગ્રસ્ત ખેડૂતો ધારાસભ્યોના ઘરે જઈને આંદોલન પર બેસશે.
માણાવદરના ધારાસભ્યનો ખેડૂતોને કડવો અનુભવ
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોને કડવો અનુભવ થયો હતો. આવેદન સ્વીકારતી વખતે ધારાસભ્યએ ખેડૂતોને ઉગ્રતાથી પ્રશ્ન કર્યો હતો કે, “તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા ?” જેને લઈને જનપ્રતિનિધિના આવા વલણથી ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. જો કે, આ અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી હતી કે, હાલ આવેદનપત્ર મળ્યું હોવાથી સમગ્ર મુદ્દાનો અભ્યાસ કરી સરકારમાં ખેડૂતોના હિતમાં સકારાત્મક રજૂઆત કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ