મંજુર થયેલા રોડના કામો સત્વરે પૂરા કરવા સૂચના
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોરના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે વિગતવાર ચર્ચા અને વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી એ ખાસ રોડ રસ્તાના મંજૂર થયેલા કામો સત્વરે પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે રોડ રસ્તાના કામો ઝડપથી આગળ વધારવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પણ માર્ગદર્શન કર્યું હતું. આ ઉપરાંત કામોની ગુણવત્તા પણ આ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત ધારાસભ્યઓએ રજૂ કરેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપવાની સાથે જરૂરી માર્ગદર્શન કર્યું હતું. આ સાથે જ સમયમર્યાદામાં નિવારણ થાય તે માટે પણ સૂચના આપી હતી. તેમજ લોકોના પડતર પ્રશ્નોનું ઝડપભેર ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત બ્લેકલિસ્ટ કરાયેલી એજન્સીની આગળની કામગીરી, પ્રોપર્ટી કાર્ડ વિતરણ, વીજળીના નવા થાંભલા ઊભા કરવા, બિનખેતી, ખાલી મેદાનો અને પડતર જમીનો ઉપર નવી જગ્યાઓ બનાવવી, જૂનાગઢને હેરિટેજ સિટી બનાવવાની દિશામાં આગળની કામગીરી, જિલ્લાના જર્જરિત પૂલનું મરામતકામ, જિલ્લાના વિવિધ તળાવ અને નહેરનું કામકાજ, ઘેડ વિસ્તાર અંગેના પ્રશ્નો, સમગ્ર જિલ્લામાં વનીકરણ વધારવાનો પ્લાન તેમજ ખંડેર બિલ્ડિંગો હટાવવી વગેરે વિવિધ પ્રકારના વિકાસ કાર્યોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલીયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડ સહિતના જિલ્લા સંકલન સમિતિના તમામ સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
