જૂનાગઢ: ઉપરકોટના કિલ્લામાં ત્રણ દિવસથી દીપડાના ડેરા તંબૂ

સાતમ-આઠમના તહેવાર પર જ ઉપરકોટના દરવાજા બંધ

જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાએ ભૂતકાળમાં અનેક આક્રમણો સહ્યા છે. અને પોતાની અજેયતા સાબિત કરી છે, પરંતુ આ વખતે કિલ્લો વન વિભાગ માટે અભેદ પુરવાર થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ઉપરકોટના પરિસરમાં કબજો જમાવીને બેઠેલો દીપડો હજુ સુધી પાંજરે પુરાયો નથી. ગીરનું આખું જંગલ અને ગિરનારનો વિશાળ પર્વતીય વિસ્તાર સાચવતા ચતુર વનતંત્રની કારી ઉપરકોટની સીમિત જગ્યામાં પણ ફાવતી નથી, જેને પગલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક રીતે અલગ-અલગ જગ્યાએ પાંજરાં ગોઠવવામાં આવ્યા હતા. પાંજરામાં દીપડાના આકર્ષણ તરીકે બકરું બાંધવામાં આવ્યું હતું, પરંતુ દીપડો વન તંત્ર કરતાં પણ વધુ ચાલાક નીકળ્યો હતો. તેણે બકરાને અડ્યા વગર જ કિલ્લા પરિસરમાં રખડતા એક કૂતરાનો શિકાર કરી પોતાની ભૂખ સંતોષી લીધી હતી. તથા દીપડો કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) સુધી પહોંચી ગયો હોવાના મજબૂત પુરાવા અને પગચિહ્નો પણ મળી આવ્યા છે, જેનાથી આસપાસના વિસ્તારમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.
દીપડાની હાજરી અને સુરક્ષાના કારણોસર વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સાતમ-આઠમ જન્માષ્ટમીના મિનિ વેકેશન અને તહેવારોની રજાઓ માણવા આવેલા હજારો પ્રવાસીઓને આ વખતે ઉપરકોટ દર્શનનો લહાવો નહીં મળે. સાતમ-આઠમના તહેવારોમાં પ્રવાસીઓથી ધમધમતો રહેતો આ ઐતિહાસિક કિલ્લો હાલમાં સન્નાટામાં ગરકાવ થઈ ગયો છે.

રિલેટેડ ન્યૂઝ