ત્રણેય આરોપીઓને અલગ-અલગ જેલમાં ધકેલાયા
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ દૂર કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે. અને ડુંગરપુરમાં ગૌવંશ કતલ કેસના 3 આરોપીઓને પાસા તળે પકડી પાડી, અલગ અલગ જેલોમાં ધકેલાયા છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગરપુર ગામે ગેરકાયદેસર ગૌવંશની કતલ કરી, મટન તથા ચામડી અલગ-અલગ બાંચકાઓમાં ભરી જાહેર રસ્તા પર ફેંકી ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ સલાઉદ્દીન સમીરભાઇ હબીબભાઇ મકરાણી (ઉં.વ. 25, રહે. શારદાનગર, ખડીયા, તા. જુનાગઢ), મકસુદ મહમદભાઇ હબીબભાઇ મકરાણી (ઉં.વ. 36, રહે. શારદાનગર, ખડીયા, તા. જુનાગઢ) તથા મહેબુબ રજાકભાઇ મકરાણી (ઉં.વ. 41, રહે. શારદાનગર, ખડીયા, તા. જુનાગઢ) સામે જૂનાગઢ તાલુકા પો.ઇન્સ. એફ.બી. ગગનીયા તથા એલ.સી.બી. પો.ઇન્સ. કૃણાલ એમ. પટેલ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, જૂનાગઢ દ્વારા આ કિસ્સાની ગંભીરતા સમજીને તુરંત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાસા વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. પોલીસે દાતાર રોડ, વિસાવદરના દૂધાળા ગામ અને ડુંગરપુર ખાતેથી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. મકરાણીને સેન્ટ્રલ જેલ, લાજપોર સુરત, મકસુદ મહમદભાઇ હબીબભાઇ મકરાણીને સેન્ટ્રલ જેલ, વડોદરા તથા મહેબુબ રજાકભાઇ મકરાણીને સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે.
