વિસાવદર રેલવે સ્ટેશનની શતાબ્દીની ઉજવણી

સદી જુનો રોમાંચક ઇતિહાસ: હવે બ્રોડગેજ કયારે થશે?

ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ત્રિભેટા પર આવેલું ઐતિહાસિક વિસાવદર રેલ્વે સ્ટેશન હાલમાં તેની સ્થાપનાના 100 વર્ષ (શતાબ્દી) પૂર્ણ કરી રહ્યું છે. આ પ્રસંગે સ્ટેશનને રંગબેરંગી રોશની અને શણગારથી સજાવવામાં આવ્યું છે. શતાબ્દી વર્ષની ઉજવણી સાથે જ સ્થાનિકોમાં ભૂતકાળની ભવ્યતાની યાદો અને ભવિષ્યના વિકાસની અપેક્ષાઓ પુન: જીવંત થઈ છે.
એક સમયે જ્યારે સ્ટીમ એન્જિનની સીટીઓ વચ્ચે આગગાડીઓ દોડતી, ત્યારે મીટરગેજ લાઇન પર વિસાવદર સ્ટેશનનો દબદબો હતો. અહીંથી સીધી અમદાવાદ સુધીની ટ્રેન સેવાઓ ઉપલબ્ધ હતી. આ સ્ટેશન વેપારનું મુખ્ય કેન્દ્ર હતું-ચોલેરા પરિવારનો મુંબઈ સુધીનો ઘીનો પ્રખ્યાત વેપાર હોય કે પછી અંબુજા સીમેન્ટનું વ્યાપારિક કેન્દ્ર, વિસાવદરથી સતત માલગાડીઓ દોડતી રહેતી. મુસાફરો અને વેપારીઓ માટે આ રૂટ આશીર્વાદરૂપ હતો.
વિસાવદર સ્ટેશનની ઓળખ માત્ર ટ્રેન પૂરતી સીમિત નથી. રેલ્વે સ્ટેશન પર છેલ્લા ઘણા દાયકાઓથી અભાણી પરિવાર દ્વારા પીરસાતા પ્રખ્યાત ’વાટીદાળના ભજીયા’ની લિજ્જત આજે પણ અકબંધ છે. ગીરના જંગલોમાંથી પસાર થતી મીટરગેજ ટ્રેનની અદ્ભુત મુસાફરી અને સ્ટેશન પર ભજીયાની મજા એ દરેક મુસાફર માટે એક અવિસ્મરણીય અનુભવ રહ્યો છે.
ભૂતકાળમાં ધમધમતા આ સ્ટેશન પર આજે સ્થિતિ સાવ ઉલટી છે. એક સમયે જ્યાં માલગાડીઓ અને અનેક પેસેન્જર ટ્રેનો દોડતી, ત્યાં આજે માત્ર 3 થી 4 ટ્રેનો જ બચી છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરોની માંગ છે કે જો ટ્રેનનો સમય અનુકૂળ કરવામાં આવે, તો આજે પણ મોટો ટ્રાફિક મળી શકે તેમ છે. આનાથી જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના મધ્યમ વર્ગને આર્થિક અને મુસાફરીમાં મોટો ફાયદો થઈ શકે છે. આ વિસ્તારના લોકો એક જ સુરથી માંગ કરી રહ્યા છે કે આ ઐતિહાસિક રૂટને વહેલી તકે બ્રોડગેજમાં ફેરવવામાં આવે અને તેનો જૂનો વૈભવ પુન: સ્થાપિત કરવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ