ચૂંટણી જાહેર થાય એ પહેલાં અનામત, બિનઅનામત, સામાન્ય, ઓબીસી સહિતની સીટોનું રોટેશન સોશિયલ મીડિયામાં ચડયું
જૂનાગઢ-વિસાવદર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીનુ સીટ રોટેશન સોશિયલ મીડિયામાં ફરતું થતા વિપક્ષ દ્વારા ભારે હોબાળો થયો છે. જો કે, તંત્ર કહી રહ્યું છે કે, અમારા તરફથી હજુ તૈયાર જ થયુ નથી. પરંતુ આ બાબતે તપાસ કરાવીશું, અને જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
આગામી સમયમાં જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. પરંતુ ચુંટણી કાર્યક્રમ જાહેર થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર જૂનાગઢ – વિસાવદરનુ અનામત, બિનઅનામત, સામાન્ય- ઓબીસી સહિતની સીટ મુજબનુ રોટેશન જાહેર થઈ જતા રાજકીય ગરમાવો વધ્યો છે. અને વિપક્ષ આકરા પાણીએ જોવા મળી રહી છે. અને વિપક્ષ દ્વારા ચૂંટણીનુ ગોપનીયતા વાળુ રોટેશન તંત્ર પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય તો ઘણી શંકાઓ ઉભી થાય છે. ત્યારે જે કોઈપણે આ રોટેશન જાહેર કર્યું છે તેની યોગ્ય તપાસ કરી કડક પગલા લેવામાં આવે તેવી વિપક્ષ દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે.
દરમિયાન જિલ્લા કોગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા આક્ષેપ પણ કરાયો છે કે, ગ્રામપંચાયતની ચૂંટણીમાં જે રોટેશન હોય છે તે ખૂબ જ સેન્સેટીવ હોય છે. જો ચુંટણી પહેલા જ જાહેર થઈ જાય તો તે તંત્રની લાપરવાહી ગણી શકાય છે. ખાસ તો શાસકપક્ષ દ્વારા સીટના પ્રકાર બદલાવવા માટેનુ આ કાવતરૂપણ ગણી શકાય.
તંત્ર દ્વારા હજુ તૈયાર જ થયુ નથી: જૂનાગઢ એડીએમ
જૂનાગઢના અધિક નિવાસી કલેકટર બી.એસ. બારડ દ્વારા આ મામલે જણાવાયું છે કે, તંત્ર દ્વારા ગ્રામપંચાયત ચૂંટણીને લઈને હજુ રોટેશન સીટ બનાવવાની પ્રક્રિયા શરૂ છે. અને તંત્ર દ્વારા હજુ તૈયાર જ થયુ નથી. એટલે સોશિયલ મીડિયામાં જે ફરી રહ્યું છે તે કોણે જાહેર કર્યું છે, તે સહિતની બાબતે અમો તપાસ કરાવીશું. અને જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
