પોલીસ પ્રજાની મિત્ર સુત્રને સાર્થક કરતી નેત્રમ શાળા
જૂનાગઢની નેત્રમ શાખાએ રૂ. 3.58 લાખનો મુદ્દામાલ અને ઘોડો શોધી મૂળ માલિકોને પરત અપાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” સૂત્રને સાર્થક કરતી કામગીરી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જુનાગઢની નેત્રમ શાખા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી છે. ડીવાયએસપી એ.એસ.પટણી અને પીએસઆઈ એચ.પી.મકવાણાની આગેવાની હેઠળની ટીમે ’વિશ્વાસ પ્રોજેક્ટ’ના સીસીટીવી કેમેરાની મદદથી 8 અરજદારોનો ખોવાયેલો કિંમતી સામાન શોધી પરત સોંપ્યો હતો.
આ ઝુંબેશ અંતર્ગત કલ્પેશભાઈ ગરીયલનો પરિવારના સભ્ય સમાન 50,000ની કિંમતનો ઘોડો, વિજયભાઈ ધંધુકિયાનું 3 લાખની કિંમતનું સોનાનું પેન્ડલ સેટ અને બેગ, તેમજ ઘનશ્યામભાઈ જાદવ, દીપાબેન નાજાપરા, તુલસીબેન ભૂત, રામદાસ કેવટ, વિશાલભાઈ સુખાનંદી અને તમન્નાબેન નોઈડાના કપડાં, ચાર્જર, રિક્ષામાં ભુલાયેલ સામાન તથા અગત્યના દસ્તાવેજો (આધાર કાર્ડ/મેરેજ સર્ટિફિકેટ) સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીમાં એએસઆઈ વર્ષાબેન, ટેકનિકલ ઓપરેટર પ્રતીકભાઈ, પાર્થભાઈ, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ, વિક્રમભાઈ તથા સમગ્ર નેત્રમ ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું. ’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ સામાન પરત મળતા તમામ અરજદારોએ જૂનાગઢ પોલીસનો આભાર માન્યો હતો, જ્યારે જિલ્લા પોલીસ વડાએ નેત્રમ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
