જૂનાગઢમાં જમીન દફતર નિરીક્ષક કચેરીના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ જારી

સરકારી કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતા અરજદારો અને ખેડૂતો મુશ્કેલીમાં

મહેસૂલ વિભાગના અન્ય કર્મચારીઓની સરખામણીએ સમાન પગાર ધોરણ અને પડતર માંગણીઓને લઈને જૂનાગઢ જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરી અને તાલુકા કચેરીઓના વર્ગ-3ના કર્મચારીઓ સરકાર સાથે સમાધાન ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાના નિર્ણય સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેને લઈને અરજદારો અને ખેડૂતો સરકારી કામકાજ ઠપ્પ થઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ, લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ-જૂનાગઢ જિલ્લા યુનિટ દ્વારા આ આંદોલનને કારણે જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, રી-સર્વેના સુધારા-વધારા, જમીનના નકશા, હક ચોકસી તથા પસ્વામિત્વ યોજનાથ અંતર્ગત ગ્રામીણ પ્રોપર્ટી કાર્ડ કાઢવા સહિતની તમામ કામગીરી અટકી પડી છે. પરિણામે મિલકત રજીસ્ટ્રેશન કરાવનારા અરજદારો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
જિલ્લા કચેરી ખાતે હાલ 20 થી 22 હજાર ફાઈલો નિકાલની રાહમાં પડતર છે
જાણવા મળતી વિગતો મુજબ, હાલમાં કચેરીઓમાં સરકારી મહેકમ સામે માત્ર 3 થી 4 કર્મચારીઓ જ કાર્યરત હોવાથી કામગીરી પહેલેથી જ વિલંબમાં ચાલતી હતી. અને પ્રતિદિન 80 થી 100 નવી અરજીઓ આવે છે, જેને લઈને હાલમાં જિલ્લા કચેરી ખાતે હાલ 20 થી 22 હજાર ફાઈલો નિકાલની રાહમાં પડતર છે અને 40 હજાર મિલકતોના પ્રોપર્ટી કાર્ડ કાઢવાના બાકી છે. ત્યારે જ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ આ હડતાળથી પેન્ડિંગ કામગીરીનો આંકડો વધુ વધશે અને અરજદારોના કામો વિલંબે ચડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ