જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

ગીર-ગિરનારને સ્વચ્છ રાખવાનો દ્રઢ સંકલ્પ કરાયો

ગુજરાતના પાવન પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત માં અંબાજી મંદિર પરિસર ખાતે એક વિશેષ સફાઈ ઝુંબેશનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા, સ્વયંસેવી ‘ક્લિન અપ ટીમ’ અને ઉષા બ્રેકો (ગિરનાર રોપવે સંચાલક) ના સંયુક્ત સહયોગથી હાથ ધરાયેલી આ સફાઈ ઝુંબેશનો મુખ્ય હેતુ ગિરનાર પર્વત, મંદિરના માર્ગો અને સમગ્ર પરિસરને કચરામુક્ત બનાવીને સ્વચ્છ તેમજ હરિયાળું રાખવાનો છે. યાત્રાધામ ગિરનાર ખાતે દેશ-વિદેશથી રોજના હજારો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે અને પ્રકૃતિનો આનંદ માણવા આવે છે. પ્રવાસીઓ અને યાત્રાળુઓની ભારે અવરજવરના કારણે પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ, ફૂલ-હાર અને અન્ય કચરો જમા થવાની શક્યતા વધારે રહે છે. આ સમસ્યાના કાયમી અને પ્રભાવશાળી ઉકેલ માટે જૂનાગઢ મહાનગરપાલિકાના રોડ-સફાઈ વિભાગ, સામાજિક જવાબદારી નિભાવતી ‘ક્લિન અપ ટીમ’ના ઉત્સાહી સ્વયંસેવકો અને ઉષા બ્રેકો કંપનીના કર્મચારીઓ એકજૂથ થઈને મેદાનમાં ઉતર્યા હતા.
સફાઈ અભિયાન દરમિયાન 5,000 જેટલાં પગથિયાંથી લઈને અંબાજી મંદિરના મુખ્ય શિખર અને તેની આસપાસના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, પ્લાસ્ટિક બોટલો, રેપર્સ અને એઠવાડ એકત્ર કરીને તેને યોગ્ય નિકાલ માટે મોકલવામાં આવ્યો હતો.
આ સફાઈ અભિયાન દરમિયાન ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, મ્યુનિસિપલ કમિશનર આઈ.આર. વાળા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, કલ્પેશભાઈ અજવાણી, મનનભાઈ અભાણી, ગૌરવભાઈ રૂપારેલિયા, સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેન્ડર અમુદાનભાઈ ગઢવી સહિતના પદાધિકારીઓ અને અધિકારીગણ, વિવિધ એનજીઓના સ્વયંસેવકો, સફાઈ કર્મચારીઓ, ભાવિક ભક્તો અને બહોળી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ