જૂનાગઢની બેન્ક ઓફ ઇન્ડીયામાં છતમાંથી પોપડુ પડતા નાસભાગ મચી

રવિવારે બેન્કમાં આર્થિક વ્યવહારો ખોરવાતા લોકોમાં રોષ ભભુકયો

જૂનાગઢ શહેરના દિવાન ચોક વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં આજે રવિવારના દિવસે બેંકિંગ કામગીરી શરૂ રાખવામાં આવી હતી. પરંતુ દુકાળમાં અધિકમાસ હોય બેંકમાં વિઘન આવ્યું હતું અને પીઓપી નું પોપડુ અચાનક નીચે પડતા મહિલા કર્મચારી ઈજાગ્રસ્ત થઈ હતી. તે સાથે જ કર્મચારીઓ દ્વારા કામગીરી ખોરંભી દીધી હતી.
આગામી દિવસોની હડતાળને પગલે જૂનાગઢની દિવાન ચોકમાં આવેલી બેંક ઓફ ઇન્ડીયા ની આજે રવિવારના રોજ ચાલુ રખાઈ હતી, અને બેંકનું કામકાજ ચાલુ હતું, તે સમયે જ છતના ભાગમાં લગાવવામાં આવેલ પીઓપીનો ભાગ ઓચિંતા નીચે પડતાં બેંકમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે બેંક પરિસરમાં ક્ષણભર માટે નાસભાગ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા અને સલામતીના કારણોસર બેંકનું તમામ કામકાજ તાત્કાલિક ધોરણે ઠપ કરી દેવામાં આવ્યું હતું.
આ ઘટનાના કારણે બેંકમાં પોતાના કામ અર્થે આવેલા ગ્રાહકો અને અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દૂર-દૂરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અચાનક બેંકનું કામકાજ બંધ થઈ જવાથી તેમના આર્થિક અને સમયનો બગાડ થયો છે. અને લીધેલી લોનના બેંકના હપ્તા ભરવા સહિતની બેંકિંગ કામગીરી બેંક કર્મીઓ દ્વારા બંધ કરી દેવાતા તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

રિલેટેડ ન્યૂઝ