જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મળી છે. જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. પી.કે. ચાવડાની ટીમે જૂનાગઢ શહેર ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા બે ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જુનાગઢ એસ.ઓ.જી. ને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપી રિયાઝ ઉર્ફે ચીપો ફિરોજખાન પઠાણ (ઉં.વ. 27, રહે. જોષીપરા, જૂનાગઢ)ને કેશોદ તાલુકાના બાલાગામ પાટીયા પાસેથી અને બીજા આરોપી ધવલ જગદીશભાઈ શીંસાગીયા (ઉં.વ. 30, રહે. ઝાંઝરડા રોડ, જૂનાગઢ)ને ઝાંઝરડા રોડ પરથી હસ્તગત કરી, ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે. આ કામગીરીમાં એએસઆઇ. વિક્રમભાઈ ચાવડા, હેડ કોન્સ. મેણસીભાઈ અખેડ તેમજ પો.કોન્સ. કૃણાલસિંહ પરમાર અને મયુરભાઈ ઓડેદરા જોડાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલ આરોપી ધવલ શીંસાગીયા અગાઉ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એન ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
