જૂનાગઢ મનપાએ ચિતાખાના ચોકમાં દબાણ હટાવતા વિવાદ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા નિવારવા અને રસ્તાઓ પહોળા કરવાના હેતુથી વ્યાપક દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ મેગા ઓપરેશન અંતર્ગત રેલવે સ્ટેશનથી ગાંધી ચોક સુધીના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલાં તમામ નાના-મોટા દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન આજે લિમવાલે બાપુની દરગાહ નજીક આવેલી પડતર જમીન તથા આસપાસના વિસ્તાર પર થયેલું અતિક્રમણ બુલડોઝરની મદદથી હટાવવામાં આવ્યું હતું. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે સ્થાનિકો અને દબાણદારોમાં ભારે વિરોધ તથા વિવાદની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકો અને દબાણદારો દ્વારા કામગીરીનો વિરોધ કરાતા સ્થળ પર ઘર્ષણ અને અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો.
જો કે, મનપા તંત્ર અને પોલીસ કાફલા દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી દબાણો દૂર કરવાની કામગીરી આગળ ધપાવવામાં આવી હતી. તંત્રના જણાવ્યા અનુસાર, શહેરના ટ્રાફિકને સુચારુ બનાવવા અને રસ્તા પહોળા કરવાની આ કામગીરી નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.
શહેરમાં વિકાસ કામને લઈને મનપા કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી, રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનો રસ્તો વન વે કરવામાં આવેલ છે. જેને લઈને મનપા તંત્ર દ્વારા રસ્તા પહોળા કરવાની અને ડીમોલેસનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની જાણવા મળેલ છે.
જુનાગઢ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ વાહન ચાલકો તથા સ્થાનિક નાગરિકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે જે મુજબ રેલવે સ્ટેશનથી કોર્ટ અને ચીતાખાના ચોક થી ગાંધી ચોક સુધીનો વૈકલ્પિક માર્ગ નક્કી કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ