માર્કેટિંગ યાર્ડ પાસે દારૂનું કટીંગ થાય તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે કામ પાર પાડ્યું
જૂનાગઢમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂ-જુગારની બદીને ડામી દેવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલા ખાસ અભિયાન અંતર્ગત જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. જૂનાગઢના માર્કેટીંગ યાર્ડ રોડ પરથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલાં જ પોલીસે દરોડો પાડી કુલ રૂ. 7.66 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. બી.જી. ચેતરીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પી.એસ.આઈ. ડી.પી. ભાટી અને પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, માર્કેટીંગ યાર્ડ રોડ, એચ.ડી.એફ.સી. બેંકની સામે એક આઈશર ટ્રકમાં દારૂનો જથ્થો લાવી કટીંગ કરવાની પેરવી ચાલી રહી છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ટીમે તાત્કાલિક ત્રાટકી સ્થળ તપાસ કરતા રૂ. 2,16,000 ની કિંમતના વિદેશી દારૂની 2160 બોટલો, મળી આવતા પોલીસે દારૂનો જથ્થો તથા 5 મોબાઈલ ફોન અને આઈશર ટ્રક મળી કુલ રૂ. 7,66,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તે સાથે પોલીસે સ્થળ પરથી અસ્લમખાન યુસુફજઈ, અતિક જેઠવા, મકસુદ ઉનડ, અરબાજ બ્લોચ અને મકબુલ ઉનડ નામના 5 ઈસમોની અટકાયત કરી છે. જ્યારે ગોવા સ્થિત ’શુભ વાઈન શોપ’ના સંચાલક પાત્રમ તથા દેરડીના રાજ પટેલને ભાગેડુ જાહેર કરી, જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
