ગરવા ગિરનારની નિશ્રામાં સંવાદની સરવાણી વહી…
ડિજિટલ યુગમાં પણ ક્ધટેન્ટ ઈઝ ધ કિંગ : વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા, ભાષામાં વૈચારિક સંસ્કાર ભળે ત્યારે સંવાદ રચાય છે : પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે
અઈંનો ગમે તેટલો પ્રભાવ હોય તો પણ મૌલિક લખાણ અને આગવા દ્રષ્ટિકોણનું મહત્વ અકબંધ રહેશે : હર્ષ મેસવાણિયા
ગુજરાત પ્રેસ અકાદમી-ગાંધીનગર, ઈંચઅઈ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પ્રાદેશિક માહિતી કચેરી- જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ગરવા ગિરનારની નિશ્રમાં આયોજિત સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં “ડિજિટલ યુગમાં સાહિત્ય અને પત્રકારત્વની બદલાતી ભૂમિકા” વિષય પર સંવાદની સરવાણી વહી હતી.
આ પરિસંવાદમાં ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે, વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા અને જાણીતા કોલમિસ્ટ અને લેખક હર્ષ મેસવાણિયાએ વિચારનીય સંબોધન કર્યું હતું. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી સર્જન કાર્યમાં સહાયરૂપ છે. પરંતુ મૌલિકતા, દ્રષ્ટિકોણ, ભાવ, અર્થઘટન અને સંવેદનશીલતા માટે નિ:શંક પણે માનવીય મહત્વત્તા રહેલી છે. તેવો સુર વ્યક્ત થયો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવેએ કાર્યક્રમની પૂર્વ ભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે, ડેટા અને શબ્દોના સમૂહરૂપ એઆઈની ખૂબીઓની સાથે મર્યાદાઓ પણ રહેલી છે. ટેકનોલોજી પાસે ભાવ, મૌલિકતા, સંવેદનશીલતા અને શૈલી નથી. આ માટે હંમેશા માનવ પર જ નિર્ભર રહેવું પડે છે. તેમણે વિદ્વાન માર્શલ મેકલૂહાન વિધાન “મીડીયમ ઇસ ધ મેસેજ” ના સંદર્ભમાં કહ્યું કે, ડિજિટલ યુગમાં માધ્યમ બદલાતું નથી પરંતુ તેનું સ્વરૂપ બદલાય છે. પ્રત્યાયનના ક્ષેત્રમાં અભૂતપૂર્વ બદલાવો આવ્યા છે. ટીવી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આવિષ્કાર થયો તેમ છતાં અખબારનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. ખાસ જ્યાં દ્વિમાર્ગી સંવાદનો અવકાશ છે તે માધ્યમો કાયમી પણે ટકી રહેવાના છે.
તેમણે ખાસ ડિજિટલ યુગમાં ભાષા સજ્જતા કેળવવા પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાષા અને સંવાદના માધ્યમથી વ્યક્તિત્વનો વિકાસ શક્ય બને છે. ડિજિટલ યુગમાં ભાષાનો આપણાથી હ્રાસ ન થાય તે પણ આપણા સૌની જવાબદારી છે અને ભાષામાં વૈચારિક સંસ્કાર ભળે ત્યારે જ સર્જન અને સંવાદનો સેતુ રચાય છે. જેમની ભાષા બળુકી હોય તે પ્રદેશની સંસ્કૃતિ પણ એટલી જ બળુકી હોય છે. સંસ્કૃતિના જતન માટે ભાષા સૌથી મહત્વની છે અને ભાષા સજ્જતાથી જ સંસ્કૃતિની રક્ષા થાય છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ જણાવ્યું હતું કે, દરેક યુગમાં ટેકનોલોજીનો આવિષ્કાર થતો રહ્યો છે. એટલે નવી ટેકનોલોજીના વિકાસથી ડરવા કે ચિંતાની આવશ્યકતા નથી. પરંતુ ટેકનોલોજીના માધ્યમથી આવેલા પરિવર્તનને સ્વીકારવા પડશે અને સાથે જરૂરી બદલાવ પણ લાવવા પડશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ હજુ નવા બદલાવ અને વર્ઝન આવશે. કોઈપણ સદીમાં સમયનું જે ચક્ર ચાલે છે તેની સાથે પરિવર્તનો આવતા જ રહ્યા છે. એટલે તેને સ્વીકારવા અને અપનાવવા સજ્જ રહેવું જોઈએ.
આ પ્રસંગે જાણીતા કોલમિસ્ટ હર્ષ મેસવાણીયાએ જણાવ્યું હતુ કે, અઈં ક્ધટેન્ટનો ઉપયોગ અતિ ઝડપે વધી રહ્યો છે, જ્યાં 2027 સુધીમાં ઇન્ટરનેટ પરનું 71% ક્ધટેન્ટ અઈં-જનરેટેડ હોવાની શક્યતા છે. અઈંની ઝડપ અને કાર્યક્ષમતા ગમે તેટલી વધે, પરંતુ તે મનુષ્યની મૌલિકતા અને ગ્રાઉન્ડ લેવલના કામનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં. વડાપ્રધાન કે મુખ્યમંત્રી જેવા મોટો કાર્યક્રમોનું ઘટનાસ્થળે રૂબરૂ હાજર રહીને પ્રત્યક્ષ રિપોર્ટિંગ કરવાની અને આસપાસની બારીક વિગતો ઝડપવાની અનોખી ક્ષમતા માત્ર માનવ પત્રકારો અને માહિતી ખાતા પાસે જ રહેવાની છે.
અઈં માત્ર મોકલેલા ઓડિયો કે વીડિયો પરથી ટેક્સ્ટ તૈયાર કરી શકે છે, પરંતુ તે સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિનો જીવંત રિપોર્ટ આપી શકતું નથી. આ ઉપરાંત, પત્રકારત્વ, વાર્તા કે સાહિત્યિક ક્ષેત્રે અઈં થી શું છૂટી ગયું છે તે શોધીને તેમાં પોતાનો સ્વતંત્ર દ્રષ્ટિકોણ કે નવો એંગલ ઉમેરવો, સર્જનાત્મક મૌલિકતા જાળવવી અને કોઈની પણ રચનાઓની યોગ્ય ચકાસણી કરવી એ માણસની જ અવિભાજ્ય જવાબદારી રહેશે.
મશીનો માત્ર શબ્દો ઓળખી શકે છે, પણ તેના સાચા અર્થ અને ભાવાર્થનું અર્થઘટન તો મનુષ્ય જ કરી શકે છે. સાધનો કે મશીનો ગમે તેટલા બદલાય, પરંતુ મૂળ તત્વ અને માનવ ચૈતન્ય જ સર્વોપરી રહે છે તેમ તેમણે જણાવ્યું હતુ. અંતમાં તેમણે કહ્યું કે, એઆઈ ગમે એટલું અપડેટ થાય પરંતુ મૌલિક લખાણ તેમજ આગવા દૃષ્ટિકોણનું મહત્વ અકબંધ રહેશે. એ આઈ તમને મદદ કરી શકે પરંતુ કમાન્ડ તો આપણે જ આપવો પડશે.
