17મી વાર્ષિક સાધારણ સભાના ભવ્ય આયોજનમાં માતબર જાહેરાત થતા પશુપાલકો માટે ખુશીની લહેર
જુનાગઢ જિલ્લા દૂધ સંઘ સંચાલિત સાવજ ડેરી દ્વારા પશુપાલકોને દૂધ ભાવમાં વધારાના રૂપિયા 5 કરોડ તેમજ શિયાળામાં ભરેલ દૂધ પર 1 રૂપિયા પ્રતિ કિલો તથા ઉનાળામાં ભરેલ દૂધ પર ર રૂપિયા પ્રતિ કિલો (રૂપિયા 32.5 પ્રતિ કિલોફેટ) એમ રૂ. 10 કરોડ મળીને કૂલ રૂ. 15 કરોડ જેવી માતબર રકમ આખર ભાવ તરીકે પશુપાલકોને ચૂકવવામાં આવશે. તેવી ડેરીના ચેરમેન દિનેશભાઇ ખટારીયાએ જાહેરાત કરી છે.
આજે ખોખરડા સ્થિત જુનાગઢ જિલ્લા દૂધ સંઘ – સાવજ ડેરીની 17 મી સાધારણ સભા યોજવામાં આવેલ હતી. જેમાં સાવજ ડેરીના ડિરક્ટર અને જિલ્લા સહકારી બેન્કના ચેરમેન કિરીટભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, વંથલી માર્કેટિંગ યાર્ડ ચેરમેન દિનેશભાઇ સુવાગીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજેલ ઉપક્રમમાં જુનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લાના પશુપાલકોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને સભાને સફળ બનાવી હતી.
આ પ્રસંગે ડેરીના ચેરમેન દિનેશભાઇ ખટારીયાએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યુ હતું કે, હાલ 600થી વધુ દૂધ મંડળીઓના 18 હજારથી વધુ પશુપાલકો દ્વારા દૈનિક 2.5 લાખ લિટર સરેરાશ દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે. સાવજ ડેરી દ્વારા પશુપાલકોને દૂધ ભાવમાં વધારાના રૂપિયા 5 કરોડ તેમજ શિયાળામાં ભરેલ દૂધ પર 1 રૂપિયા પ્રતિ કિલો તથા ઉનાળામાં ભરેલ દૂધ પર ર રૂપિયા પ્રતિ કિલો (રૂપિયા 32.5 પ્રતિ કિલોફેટ) એમ રૂપિયા 10 કરોડ મળીને કૂલ રૂપિયા 15 કરોડ જેવી માતબર રકમ આખરભાવ તરીકે પશુપાલકોને ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત આગામી દિવાળી સુધીમાં સાવજ ડેરી ખાતે અમુલ પનીરનું ઉત્પાદન તેમજ આવનારા વર્ષમાં અમુલ આઇસક્રીમ તથા મીઠાઇ ઉત્પાદન પણ શરૂ થવા જઈ રહ્યું છે. તેમ ચેરમેન દિનેશભાઇ ખટારીયા એ જણાવ્યું હતું.
