કોડીનારના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

એક મહિનામાં 10થી વધુ મગરનું રેસ્ક્યુ; પાણીની શોધમાં નદીમાંથી કેનાલમાં આવતા હોવાનું વન વિભાગનું તારણ

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં શ્રી ચંદ્રમોલેશ્વર મંદિર પાછળ આવેલી કેનાલમાં ફરી એકવાર મહાકાય મગર જોવા મળતાં જાગૃત નાગરિક અરવિંદ ચુડાસમાએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતાં ઘાંટવડ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી. દમણીયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે અનુભવી ટ્રેકર્સની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.આ કામગીરીમાં ફોરેસ્ટર એમ.જી. દમણીયા, ફોરેસ્ટ ગાર્ડ આર.વી. વાળા તથા ટ્રેકર્સ પીન્ટુ ચુડાસમા, રાજુ બામણીયા અને ધર્મેશ બારૈયા સહિત સ્થાનિક ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો. મગરને રેસ્ક્યુ કર્યા બાદ સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
વન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ ખેંચાતા નદીના જળસ્ત્રોતોમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે. પાણીની શોધમાં મગરો નદીમાંથી વારંવાર કેનાલમાં આવી જતા હોવાથી કેનાલમાં મગર જોવા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ઘાંટવડની કેનાલ વિસ્તારમાંથી 10થી વધુ મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત કોડીનાર તાલુકાના સુગાળા ગામમાં પાંચ પીરની દરગાહ નજીક નાળામાંથી પણ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી મગર દ્વારા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી નથી. નાગરિકો દ્વારા મગર દેખાયાની જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી મગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી રહી છે.
મગર દેખાય ત્યારે નાગરિકોએ તેની નજીક ન જવું કે તેને પકડવાનો પ્રયાસ ન કરવો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી તેવી અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ