જૂનાગઢ કલેક્ટર કચેરીમાં ઘોડિયાઘરનો શુભારંભ

મહિલા કર્મચારીઓ સારી રીતે ફરજ બજાવવાની સાથે બાળકોની સાર સંભાળ પણ લઈ શકશે

જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારી-કર્મચારીઓ સહિતના નાના ભૂલકાંઓ માટે ઘોડિયાઘરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ એક નાના ભૂલકાના હસ્તે જ રંગબેરંગી અને બાળકોને મનગમતું વાતાવરણ મળી રહે તેવા સુસજ્જ ઘોડિયાઘરને ખુલ્લુ મુકાવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ શીર્ષ અધિકારીઓએ નાના ભૂલકાંઓને ઘોડિયાઘરમાં આવકાર્યા હતા અને હળવાશથી નાના ભૂલકાંઓ સાથે વાતચીત કરી વાત્સલ્યભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકની કચેરીમાં ખૂબ મોટા પ્રમાણમાં કર્મચારીઓ કામ કરે છે. ખાસ કરીને ઘણા યુવા કર્મચારીઓ છે, અને જ્યારે પતિ-પત્ની બંને સરકારી સેવા બજાવતા હોય ત્યારે બાળકોની સારસંભાળનો પણ એક પ્રશ્ન રહેતો હોય છે. ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાઓ તથા કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને અહીં ઘોડિયાઘર શરૂ કરવામાં આવ્યું છે. જેથી અધિકારી-કર્મચારીઓના નાના ભૂલકાંઓને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે આ ઘોડિયાઘર શરૂ કરવામાં આવ્યું છે. જેથી કર્મચારીઓ પણ નિશ્ચિંતપણે સેવાઓ બજાવી શકે. નાના ભૂલકાઓની સાર સંભાળ માટે કેર ટેકર બહેનો પણ સેવારત રહેશે.

રિલેટેડ ન્યૂઝ