ક્રાઈમ બ્રાન્ચની રેડમાં રૂ.4.99 લાખની રોકડ સહિત કુલ રૂ.5.57 લાખનો મુદ્દામાલ કબજે
જૂનાગઢ શહેરના સક્કરબાગ સામે આવેલી વાડીના મકાનમાં ચાલતા જુગારના અખાડા પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 8 સ્ત્રી-પુરુષોને ઝડપી લીધા છે. પોલીસની રેડ દરમિયાન રૂ.4,99,300ની રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.5,57,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી ની સૂચના અને એસ.પી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદે જુગાર અને દારૂની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ચેતરિયા અને તેમની ટીમને જુગારના અખાડા અંગે ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. પટેલ અને ટીમે સક્કરબાગ સામે આવેલી વાડીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ચાંદનીબેન હર્ષભાઈ પટેલીયા (રહે. વેરાવળ) બહારથી માણસો બોલાવી ગંજીપત્તાના પાનાં વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડતી હોવાની બાતમી હતી. પોલીસ દરોડા દરમિયાન જુગાર રમતા કુલ 8 સ્ત્રી-પુરુષો મળી આવતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.4,99,300ની રોકડ રકમ, એક મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.5,57,300.નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા લોકોમાં ચાંદનીબેન હર્ષભાઈ પટેલીયા (ઉ.વ.33),રાહુલ ભીમજીભાઈ ભોકુ (ઉ.વ.32),જીતેન્દ્રભાઈ કાંતિભાઈ બાલધા (ઉ.વ.40), અસરજીત હરેશભાઈ બારડ (ઉ.વ.30), વનીતાબેન સુભાષભાઈ કાંબલીયા (ઉ.વ.48), હિરલબેન હિતેષભાઈ પટેલ (ઉ.વ.32),લીલાબેન હરેશભાઈ દાસા (ઉ.વ.50) અને કિંજલબેન જીતેન્દ્રભાઈ બાલધાનો સમાવેશ થાય છે.
આ તમામ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર પ્રતિબંધ અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ચેતરિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ વાળા, પ્રતિકભાઈ ઠાકર, આઝાદસિંહ સીસોદિયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ બકોત્રા તથા પેરોલ ફલો સ્ક્વોડનાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ રિદ્ધિબેન વેગડાની ટીમે આ કામગીરી કરી હતી.
