માત્ર બે કલાકમાં સ્પર્ધકોએ તૈયાર કરી અવનવી રંગોળીઓ 29 નવેમ્બરે નૂતન વર્ષના સ્નેહમિલનમાં ઇનામ વિતરણ
જૂનાગઢ સમસ્ત વણિક સમાજ તથા વણિક લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે દિવાળીના તહેવાર નિમિત્તે રંગોળી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. 31 ઓક્ટોબરના રોજ ચેમ્બર ઓફ કોમર્સ હોલ, જયશ્રી ટોકીઝ પાસે યોજાયેલી આ સ્પર્ધામાં 22 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોએ માત્ર બે કલાકના સમયગાળામાં પોતાની કલ્પનાશક્તિ અને કલાત્મક કૌશલ્યના સમન્વયથી આકર્ષક રંગોળીઓ તૈયાર કરી હતી.
આ હરીફાઈમાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે મધુસુદનભાઈ ભુવા અને ચાર્મીબેન મોદીએ જવાબદારી સંભાળી હતી. જ્યારે નિર્ણાયક તરીકે દીપેનભાઈ જોશી, જયશ્રીબેન સંઘવી અને જાગૃતિબેન ચોકસીએ સેવા આપી હતી. સ્પર્ધામાં તૈયાર થયેલી વિવિધ રંગોળીઓએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
આ સ્પર્ધાના વિજેતાઓને આગામી તા. 29 નવેમ્બર, 2026ના રવિવારે યોજાનારા વણિક સમાજના નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. આ સ્નેહમિલનનું વિશેષ આકર્ષણ હાસ્ય કલાકાર મનન રાવલનો હાસ્યરસભર્યો કાર્યક્રમ રહેશે.
રંગોળી હરીફાઈને સફળ બનાવવા નવનીતભાઈ શાહ અને સુરેન્દ્રભાઈ ઘેડિયાના માર્ગદર્શન હેઠળ કમલેશભાઈ અવલાણી, સમીરભાઈ પારેખ, ધર્મેન્દ્રભાઈ ઘેડિયા, હર્ષદભાઈ ટોલિયા, અમિતભાઈ મોદી, જતીનભાઈ પારેખ, મધુસુદનભાઈ ભુવા, જીગ્નેશભાઈ વસાણી, સંદીપભાઈ દોશી, અભિભાઈ શેઠ, હાર્દિકભાઈ શાહ, હેતલભાઈ રૂપાણી સહિત વણિક લેડીઝ ક્લબનાં ચાર્મીબેન મોદી, ચાર્મીબેન બદાણી, કાજલબેન દોશી અને અલ્પાબેન શાહે જહેમત ઉઠાવી હતી. આ અંગે સમસ્ત વણિક યુવા સમાજના પ્રમુખ ભાવિનભાઈ શેઠે વિગતો આપી હતી.
