ભુજ, તા.20
નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે આજે વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે માલધારીના ઘરમાં દિપડો ઘુસી આવતા સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો, રહેણાંક વિસ્તારમાં એકાએક રાની પશુ આવી ચડતા ઘરમાલિકના પરિવારજનોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, સદ્ભાગ્યે દિપડો ઘરમાં ઘૂસ્યો તે વેળાએ ઘરમાં કોઇ હાજર ન હતું, મોટી દુર્ઘટના બનતા ટળી હતી, ઘરના દરવાજાઓ બંધ કરી દિપડાને પુરી દેવાયા બાદ વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ પણ રેસ્કુય માટે કામગીરી હાથ ધરી હતી.
આ અંગેની વિગતો મુજબ પાછલા લાંબા સમયથી ભુજ તાલુકા ઝુરા કેમ્પ, લોરિયા, નોખાણિયા પંથકમાં દિપડાએ આતંક મચાવ્યો હોય અનેક પશુઓનું મારણ કર્યું છે, સીમાડામાં પશુ ચરાવવા માલધારીઓ પર પણ આ રાની પશુએ હુમલાઓ કરવાની કોશિષ પણ કરી ચૂક્યો છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયેલો રહ્યો છે, વન વિભાગ દ્વારા દિપડાને પકડવા પાંજરાઓ મુકાયા હોવા છતાં કોઇ જ સફળતા હાથ લાગી નથી, આ દિપડો ઝુરા કેમ્પના રહેણાંક વિસ્તારમાં ઘુસી જઇને કુતરાઓનો અનેક વખત મારણ કરી ગયો છે, આ ઘટનાક્રમો હજુ તાજા જ છે ત્યાં આજે વહેલી સવારે નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામના સોઢા હીરજી વરધાજીના મકાનમાં દિપડો ઘુસી આવ્યો હતો, ઘરધણી સવારમાં ભેસો મુકવા ગયા હોઇ ઉપરાંત અન્ય પરિવારજનો પણ ઘરમાં હાજર ન હતું, મોટી દુર્ઘટના બનતી ટળી હતી,
ઘરમાં દિપડો ઘૂસ્યો હોવાની જાણ થતાં લોકોએ મકાનના દરવાજા બંધ કરી આ રાની પશુને ઘરમાં જ પુરી દીધો હતો, વાયુવેગે આ સમાચાર ફેલાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો, ઘરમાં દિપડો ઘૂસી આવ્યો હોઇ વન વિભાગને જાણ કરાતા એક ટીમ પણ દિપડાને ઝડપવા માટે મોટી ગોધિયાર ગામે ધસી આવી હતી.
આ બાબતે નખત્રાણા વન વિભાગના આરએફઓ ચૌધરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, મોટી ગોધિયાર ગામે રહેણાંકના મકાનમાં દિપડો ઘૂસી આવતા લોકોએ મકાનના દરવાજા બંધ કરી દિપડાને ઘરમાં જ પુરી નાખ્યો હતો, બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, ઉચ્ચઅધિકારી એસીએફ કુરેશી પણ ઘટનાની જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, દિપડા દ્વારા કોઇને નુકશાની પહોંચાડાઇ ન હોઇ એકંદરે હાશકારો લેવાયો છે, દિપડો મકાનમાં પુરાયેલો હોઇ તેને પકડવા માટે પાંજરુ પણ મુકવામાં આવ્યું છે, વધુમાં તેમણે જણાવ્યું કે, થાન જાગીરના નીચેના ભાગે આ ગામ આવેલું છે, આ દિપડાને ઝડપી પાડયા બાદ જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવશે.
