સાણંદ નજીક કચ્છના બે ટ્રકોને નડયો અકસ્માત! બંને ટ્રક ચાલકોના મોત

ભુજ: તા.11
કચ્છની બે ટ્રકોનો ગમખ્વાર અકસ્માત સાણંદના વિરોચનનગર પાટિયા પાસે સર્જાયો હતો. 3 ટ્રકો વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બે ટ્રક ચાલકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કોલસા ભરેલી બંને ટ્રકો ગાંધીધામથી અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમિયના આગળ જઈ રહેલી ટ્રક અગમ્ય કારણોસર અચાનક ઉભી રહી જતા પાછળથી બંને ટ્રકો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ટ્રક ચાલકો અંદર ફસાયેલી હાલતમાં હતાં.
અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને એક સાઈડનો રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સાણંદ જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે ધસી જઈને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી કરી હતી. અને ક્રેન તેમજ જીસીબીની મદદથી ફસાયેલા ટ્રકોને અલગ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. અકસ્માતમાં કચ્છની ટ્રકોમાં ડ્રાઈવિંગ કરતા મુળ યુપીના ધરમવીર લક્ષ્મણસિંહ ઠાકુર તેમજ મુળ એમપીના રામજીલાલ હોબલાલ શર્માનું મોત નિપજયુંહતું.
કાર-ટ્રક અકસ્માતમાં બે યુવાનોના મોત
ભુજ: વિરમગામ-માલવણ હાઈવે પર કચોલીયા ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કચ્છના બે યુવાનોનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ઘવાયેલા યુવાનને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
વિરગમગામ માલવણ હાઈવે પર સોમવારે બપોરે ધાંગધ્રા તરફથી અમદાવાદ જઈ રહેલી સ્વિફ્ટ કાર અને ટ્રેઈલવર વચ્ચે અકસ્માત સર્જાતા કેરાના 29 વર્ષિય નિલેશભાઈ ધનજીભાઈ નારદાણી તેમજ નિતીનભાઈ દેવજીભાઈ વેકરિયા (ઉ.વ.28) નામના યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. જયારે રશ્મિનભાઈ હિરાલાલ વોરા નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા પાટડી 108 દ્વારા વિરમગામ સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ