વાંકાનેરમાં ગેરકાયદેસર એલપીજી ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપાયું, દુકાનદારની ધરપકડ

ડોમેસ્ટિક બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં ગેસ ભરવામાં આવતો હતો

વાંકાનેર સીટી પોલીસે ભમરિયા કુવા પાસે આવેલી હુસેની ગેસ રીપેર દુકાનમાં દરોડો પાડી ગેરકાયદે એલપીજી ગેસ રિફીલિંગ કરતી પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે દુકાનદારની ધરપકડ કરી બીએનએસ તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.વાંકાનેર સીટી પોલીસને મળેલી અરજીના આધારે ભમરિયા કુવા પાસે આવેલી હુસેની ગેસ રીપેર નામની દુકાનમાં ગેરકાયદે એલપીજી ગેસ રિફીલિંગ થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે દરોડો પાડતા દુકાનમાં ગેસ રિફીલિંગ માટેનો સાધન સામગ્રી અને કોમર્શિયલ ગેસ બાટલાઓ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન દુકાનદાર આરોપી અલીભાઈ ફકરૂદીનભાઈ મીઠાઈવાલા રહે. વોરાવાડ નવાપરા વાંકાનેર પાસે ગેસ રિફીલિંગ માટે કોઈ લાયસન્સ કે પરવાનો ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ગો ગેસ કંપનીના ભરેલા અને ખાલી કોમર્શિયલ બાટલાઓ, ઇલેક્ટ્રિક મોટર, રેગ્યુલેટર સાથેની પાઇપ અને ડિજિટલ વજન કાંટો મળી કુલ રૂ.10,300/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાથમિક તપાસમાં આરોપી ડોમેસ્ટિક ગેસ બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં ગેરકાયદે ગેસ ભરવાનું કામ કરતો હોવાનું ખુલ્યું હતું. દુકાનમાં કોઈ અગ્નિશામક સાધનો કે ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ ન હોવાથી લોકોના જીવને જોખમ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ