મોરબીના સાદુળકા નજીક તલાવડીમાં ડુબી જતા સગીર સહિત ત્રણના મોત

બકરા ચરાવવા જતા કોઇ કારણોસર બનેલો કરૂણ બનાવ: પરીવારમાં શોક

મોરબી તાલુકાના સાદુળકા ગામ નજીક આવેલી તલાવડીમાં ડૂબી જતા ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્રણેય સીમ વિસ્તારમાં બકરા ચરાવવા ગયા હતા ત્યારે કોઈ કારણોસર ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના સાદુળકા ગામ નજીક સીમ વિસ્તારમાં આવેલી તલાવડી પાસે હાથાભાઈ પુંજાભાઈ રાતડીયા (ઉ.વ. 28), જયદેવ રાતડીયા (ઉ.વ. 11) અને કારૂભાઈ વહેરા (ઉ.વ. 31) બકરા ચરાવવા માટે ગયા હતા. દરમિયાન કોઈ કારણોસર ત્રણેય તલાવડીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર દોડી આવ્યું હતું અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદમાં ત્રણેયના મૃતદેહોને બહાર કાઢી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો, જ્યારે પોલીસે પણ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કુંડીમાં પડી જતા બાળકનું મોત
આદિત્યભાઈ મનુભાઈ મકવાણા ઉવ.04 રહે. વિશીપરા મોરબી વાળા ગઈકાલ તા.12/05ના રોજ અમૃત ઇન્ડસ્ટ્રીઝ ખાતે કોઈ અગમ્ય કારણોસર પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારે બાળકને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી માસૂમ બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યારે સમગ્ર બનાવ મામલે પોલીસે વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ