જંગલેશ્ર્વરમાં સાત દિવસ ગોંધી રાખી દેહ અભડાવ્યો હોવાની ફરીયાદ
મોરબી ગ્રામ્ય વિસ્તારની અને મોરબી શહેરમાં રહેતી 20 વર્ષીય યુવતીને સ્નેપચેટ મારફતે ઓળખાણમાં આવેલા રાજકોટના ઈસમે લગ્નની લાલચ આપી અપહરણ કરી રાજકોટ ખાતે લઈ જઈ ન્યૂડ ફોટાને આધારે બ્લેકમેઇલ કરી સાત દિવસ ગોંધી રાખી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ને આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
મોરબીના ગ્રામ્ય વિસ્તારની અને મોરબી શહેરમાં નોકરી કરતી 20 વર્ષીય પીડિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સોહિલખાન ફિરોઝખાન પઠાણ (રહે. રાજકોટ જંગલેશ્વર શેરી નં.28 )વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે ત્રણ વર્ષ પહેલાં સ્નેપચેટ એપ્લિકેશન મારફતે તેની ઓળખ રાજકોટના સોહિલખાન પઠાણ સાથે થઈ હતી.સ્નેપચેટ પર થયેલી ઓળખાણ બાદ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.
આરોપી સોહિલખાન પઠાણ પીડિતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ગત 10 મે 2026ના રોજ રાત્રિના સમયે મોરબી થી યુવતીને પોતાની રિક્ષામાં બેસાડી રાજકોટ લઈ ગયો હતો.ત્યાં પોતાના રહેણાંક મકાને લઈ જઈ યુવતી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.આ દરમિયાન આરોપીએ યુવતીના ન્યૂડ ફોટા પાડી લીધા હતા અને જો તે ત્યાંથી જતી રહેશે અથવા કોઈને વાત કરશે તો ફોટા વાયરલ કરી દેશે તેમજ જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. ધમકીના ડરથી યુવતી આશરે સાત દિવસ સુધી રાજકોટ ખાતે આરોપી સાથે રહી હતી.
આ દરમિયાન આરોપીએ ત્રણ વખત યુવતીની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતો.જે બાદ જ્યારે યુવતીએ આરોપીને લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ જાતિ આધારિત અપમાનજનક શબ્દો ઉચ્ચારી કહ્યું હતું કે તે માત્ર મોજશોખ માટે સંબંધ રાખ્યો હતો.ઘણા દિવસો સુધી યુવતી ગુમ રહેતા યુવતીના પરિવારજનોએ મોરબી પોલીસમાં ગુમ થયાની અરજી કરતાં આરોપી સોહિલખાન તથા તેના પરિવારજનો યુવતીને મોરબી પરત મૂકી ગયા હતા. ત્યારબાદ યુવતીએ પરિવારજનો અને ઓળખીતાઓને સમગ્ર બનાવની જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સોહિલખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
