30થી 120 ટકા સુધીના વ્યાજે નાણા આપીને કોન્ટ્રાક્ટર પાસેથી બળજબરીથી રકમ, બાઇક અને દાગીના પડાવનાર સામે કાર્યવાહી
વાંકાનેર તાલુકા પોલીસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ લેબર કોન્ટ્રાક્ટરને ઉંચા વ્યાજે નાણા આપીને બળજબરીથી રૂપિયા, બાઇક અને દાગીના પડાવી લીધા હોવાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે એક બાઇક અને કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાય, મોરબી પોલીસ અધિક્ષક એમ.વી. પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસે વગર લાયસન્સે વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં, રાતાવીરડા ગામના લેબર કોન્ટ્રાક્ટરને મજૂરોને પગારની ચૂકવણી કરવા તેમજ ભાઈની સારવાર માટે નાણાની જરૂર પડતા આરોપી અજયભાઈ રમેશભાઈ અબાણીયા પાસેથી રૂ. 3 લાખ 30%, 35% અને 120% સુધીના વ્યાજદરે લીધા હતા. આ ઉપરાંત આરોપી બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ ગીંગોરા પાસેથી રૂ. 1.50 લાખ માસિક 35 ટકા વ્યાજે લીધા હતા. જ્યારે હિતેશભાઈ મગનભાઈ કકાસણીયાએ ફરિયાદીની પત્નીના ગીરવે મુકાયેલા આશરે સાડા ત્રણ તોલા સોનાના દાગીના છોડાવવા રૂ. 3.56 લાખ વ્યાજે આપ્યા હતા.
ફરિયાદીએ મુદ્દલ અને વ્યાજ સહિતની રકમ ચુકવી હોવા છતાં આરોપીઓએ વધુ રકમની માંગણી કરી હતી. આરોપી અજયભાઈએ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક રૂ. 5 લાખ પડાવી લીધા હતા, જ્યારે આરોપી બીજલભાઈએ મોટરસાયકલ અને આરોપી હિતેશભાઈએ સોનાના દાગીના લઈ લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય વ્યાજખોર સામે બીએનએસ તથા નાણા ધીરધાર અધિનિયમની મુજબ ગુનો નોંધાયો હતો. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ત્વરિત કામગીરી કરી ગણતરીની કલાકોમાં ત્રણેય વ્યાજખોર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ફરિયાદીનું જીજે-36-બીસી-0783 નંબરનું બાઇક તથા જીજે-36-એજે-6096 નંબરની સ્વિફ્ટ કાર મળી કુલ અંદાજે રૂ.4.98 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ સાથે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ગીરવે મુકાયેલા અન્ય સોનાના દાગીના અને મુદ્દામાલ મેળવવા તજવીજ શરૂ કરી છે.
