બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ
મોરબીના ખાટકીવાસ ચોકમાં એક જ ફળિયામાં રહેતા બે કુટુંબી પરિવારો વચ્ચે સામાન્ય બાબતે થયેલો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીનો બનાવ સામે આવ્યો છે. જે બનાવ અંગે નવાઝભાઈ ઇકબાલભાઈ કાસમભાઈ ચૌહાણ ઉવ.18 એ આરોપી તરીકે તેના મોટાબાપુ દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, મોટાબાપુનો દીકરો શાહરુખ દાઉદભાઈ, મોટીબા ફતિમાબેન દાઉદભાઈ, મોટાબાપુની દીકરી ઇરમ તથા જમાઈ શબ્બીર અબ્બાસભાઈ તરકબાણ સહિત ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ ડેલી બંધ રાખવાની બાબતે અગાઉથી ચાલતા મનદુ:ખના કારણે ઉપરોક્ત આરોપીઓ ફરીયાદીના ઘરે પહોંચી ગાળાગાળી અને ઝઘડો કરવા લાગ્યા હતા.
બાદમાં બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ લાકડાના ધોકા, ઢીકા-પાટુ તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવ દરમિયાન ફરિયાદીના પિતાને માથાના ભાગે પાઇપનો ઘા મારતા ગંભીર ઇજા પહોંચી હતી અને સાત ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ફરિયાદીની માતાને વાળ પકડી શેરીમાં ઢસડી લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. જે બાદ આજુબાજુ વાળાએ વચ્ચે પાડીને ફરિયાદીના પરિવારને વધુ મારથી છોડાવ્યા હતા ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ચાલ્યા ગયા હતા. હાલ સીટી એ-ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
