મોરબીની વાવડી ચોકડી નજીક કારે રીક્ષાને હડફેટે લેતા મહિલાનું મોત

પતિને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો: રંગપર નજીક બાઇકે ટક્કર મારતા રાહદારી મોતને ભેટયો

મોરબીના વાવડી ચોકડી પાસે પૂરઝડપે આવેલી હ્યુન્ડાઈ ઓરા કારે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રીક્ષામાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે રીક્ષા ચાલક તેમના પતિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા. મોરબીના વાવડી રોડ વિસ્તારમાં શ્રીરામ પાર્ક ખાતે રહેતા રીક્ષાચાલક દિલીપભાઈ પોપટભાઈ સોઢા ઉવ.65 પોતાની પત્ની ભાનુબેન સાથે ગત તા.10/06ના રોજ રાત્રે રીક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વાવડી ચોકડી પાસે રોડ ક્રોસ કરી કટ પર પહોંચતા નવલખી ફાટક તરફથી પૂરઝડપે આવેલી હ્યુન્ડાઈ ઓરા કાર રજી.નં. જીજે-10-ઈસી-2231 રીક્ષાની પાછળની બાજુએ ધડાકાભેર અથડાઈ હતી. જે જોરદાર ટક્કરના કારણે રીક્ષા પલટી મારી જતા રીક્ષા ચાલક દિલીપભાઈને શરીરે ગંભીર ઇજાઓ, પાસળીઓમાં ફ્રેક્ચર તથા ખંભા પાસે ઈજા પહોંચી હતી. જ્યારે તેમના પત્ની ભાનુબેનને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ પરથી નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ પોલીસે કાર ચાલક આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાઇકની ટક્કરે
રાહદારીનું મોત
મોરબીના રંગપર(બેલા) ગામના રહેવાસી જયંતીભાઈ મગનભાઈ કગથરા ઉવ.47 ગત 10 જૂને રાત્રે રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે શ્રમશ્રદ્ધા હોટલ નજીક પુલ પર હીરો સ્પ્લેન્ડર બાઇક નં. જીજે-36-એકે-1043ના ચાલક મેહુલભાઈ મધુભાઈ ગડેસીયા રહે.અણીયારી તા.જી.મોરબી વાળાએ તેમને હડફેટે લીધા હતા. અકસ્માતમાં જયંતીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક પોતાનું બાઇક સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ