81 કિલો વાયર, બોલેરો સહિત રૂ.1.97 લાખનો મુદામાલ જપ્ત
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કારખાનામાંથી કોપર વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી તાલુકા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે પકડાયેલ આરોપીઓ પાસેથી 81 કિલો કોપર વાયર અને એક બોલેરો વાહન મળી કુલ રૂ.1.97 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. તેને પકડી લેવા પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસે મોરબી-જેતપર રોડ પર સાપર ગામના પાટિયા નજીક આવેલા ભંગારના ડેલામાં દરોડો પાડી આરોપી વિકાસભાઇ અનિલભાઇ લોરીયા રહે.હાલ માળીયા ફાટક પાસે કાંતીનગર મોરબી, સાગરભાઈ મેરામભાઇ સોલંકી રહે. મેધપર તા.માળીયા(મી) તથા ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જર રહે.સાપર ગામ તા.જી.મોરબી મુળ રહે.ચાંદરસ તા.માંડલ જી.ભીલવાડ (રાજસ્થાન)વાળાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 81 કિલો શુદ્ધ કોપર વાયર કિંમત રૂ.97,200/- તથા એક બોલેરો વાહન જીજે-36-ટી-7013 કિ.રૂ.1 લાખ મળી કુલ રૂ.1,97,200/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી રવિભાઈ લાખાભાઈ સોલંકી અને સચિનભાઈ લાખાભાઈ સોલંકી બંને રહે. મેઘપર તા.માળીયા(મી) વાળાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા સામે અગાઉ પણ ચોરી, પ્રોહિબિશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે આરોપીઓને હસ્તગત કરી આગળની તપાસ ચલાવી છે.
