પિતા -પુત્ર સહિત ચારેય દારૂની બાતમી આપતો હોવાની શંકાથી ઢીમઢાળી દીધું હતુ
મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દારૂના ગેરકાયદેસર ધંધામાં પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી સગા કાકાએ જ ભત્રીજાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટીનો મૃતદેહ શોભેશ્વર રોડ સ્થિત તેમના રહેણાંક રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના ભાઈ ઇરફાનભાઈ ભટ્ટીએ નોંધાવેલી ફરિયાદ મુજબ થાનગઢના ફારૂકભાઈ અલ્લારખાભાઈ ઉર્ફે બટુક કવાલ ભટ્ટી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે. તેમના ધંધા પર થતી પોલીસ કાર્યવાહીમાં હનીફભાઈ બાતમી આપતા હોવાનો શકવહેમ રાખી ફારૂકભાઈ અને પરિવાર વચ્ચે અગાઉથી અદાવત ચાલતી હતી. મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ મુજબ આ જ અદાવતનો ખાર રાખી ફારૂકભાઈ, તેમના પુત્ર રીયાઝ ફારૂકભાઈ ભટ્ટી, સમીરભાઈ જાકિરભાઈ પીરજાદા અને નાઝીમભાઈ દિલાવરભાઈ ઉર્ફે મુનાફભાઈ દિવાન થાનગઢથી મોરબી આવ્યા હતા. ચારેય આરોપીઓએ એકસંપ કરી હનીફભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો તેમજ પિસ્તોલથી ફાયરિંગ કરી તેમની હત્યા નિપજાવી હતી.બનાવની ગંભીરતા ધ્યાને લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.પોલીસે ગણતરીની કલાકોમાં થાનગઢ અને મોરબીના શક્તિ ચેમ્બર વિસ્તારમાંથી ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.પોલીસ તપાસમાં આરોપીઓ સામે અગાઉ પણ પ્રોહિબિશન, મારામારી અને આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસે હત્યા, આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
