મોરબીના મકનસર નજીક ડમ્પર પાછળ કાર ઘૂસી જતા બે મિત્રોના કરૂણ મોત


સરતાનપર રોડ પર બનેલો ગમખ્વાર બનાવ

મોરબી તાલુકાના મકનસર નજીક સરતાનપર રોડ પર ટાટા પંચ કાર ડમ્પરની પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં બે મિત્રોના મોત થયા હતા. અકસ્માતમાં કાર ચાલક અને તેમની બાજુમાં બેઠેલા તેના મિત્રનુ મોત થયું હતું. સમગ્ર મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ખાખરાળા ગામે રહેતા દશરથભાઈ સામતભાઈ અઘારા ઉવ.27એ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલ 25 જૂનની રાત્રે તેમના નાના ભાઈ મહેશભાઈ પોતાના મિત્ર અરવિંદભાઈ જેસીંગભાઈ ઉડેચા રહે.સરતાનપર તા.વાંકાનેર વાળા સાથે ટાટા પંચ કાર રજી. નં. જીજે-36-એઆર-6131 માં મકનસર નજીક સરતાનપર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અરવિંદભાઈ કાર ચલાવી રહ્યા હતા. ત્યારે સેન્સો ચોકડીથી સરતાનપર ચોકડી તરફ જતા હોય તે દરમિયાન સરતાનપર રોડ પર પુરઝડપે અને બેદરકારીપૂર્વક કાર હંકારી આગળ જઈ રહેલા ડમ્પર રજી.નં. જીજે-03-સીયુ-8913ના પાછળના ભાગે કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે બંનેને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ અરવિંદભાઈ અને મહેશભાઈને મૃત જાહેર કર્યા હતા. હાલ અકસ્માતના બનાવને લઈને મૃતક મહેશભાઇ ભાઈ દશરથભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી કાર ચાલક મૃતક અરવિંદભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

રિલેટેડ ન્યૂઝ