લોખંડના પાઈપથી ઇજા પહોંચાડતા બે શખ્સો સામે પોલીસ ફરિયાદ
મોરબી તાલુકાના મોડપર ગામે અગાઉ થયેલી ફોન પરની માથાકૂટનો ખાર રાખીને બે શખ્સોએ બીએસએફમાં ફરજ બજાવતા મૂળ પીપળીયા ગામના યુવક ઉપર હુમલો કર્યો હતો. જેમાં એક શખ્સે જવાનને પકડી રાખી ગુપ્ત ભાગે લાત મારી હતી, જ્યારે બીજા શખ્સે લોખંડના પાઈપથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના પીપળીયા રાજીવનગરના રહેવાસી અને હાલ ગાંધીનગર ખાતે બીએસએફમાં જી.ડી. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજાએ મોડપર ગામના આરોપી અક્ષયભાઈ વિનુભાઈ અને ઉમેશભાઈ શાંતિલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.28 જુનના રોજ તેઓ ગાંધીનગરથી સત દિવસની રજા દરમિયાન પોતાના ગામ પીપળીયા આવ્યા હતા.
અને ગઈકાલ તા.04/07ના રોજ મોડપર ગામે મંદિરે દર્શન કરવા માટે ગયા ત્યારે તે દરમિયાન મોડપર ગામે દેવીપૂજક વાસ વિસ્તારમાં રહેતા આરોપી અક્ષયભાઈ વિનુભાઈએ અગાઉ ફોન ઉપર થયેલી માથાકૂટનો ખાર રાખી ફરિયાદી ઓમદેવસિંહને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો.
ફરિયાદ મુજબ આરોપી અક્ષયભાઈએ ઓમદેવસિંહને પકડી રાખી ગુપ્ત ભાગે લાત મારી હતી, જ્યારે ઉમેશભાઈ શાંતીલાલે લોખંડના પાઈપ વડે ડાબા ખંભાના હાંસળીના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. બાદમાં બંને આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. હાલ ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
