કંડલા-મોરબી નેશનલ હાઈવે પર બનેલો બનાવ
માળીયા(મી) નજીક કંડલા-મોરબી નેશનલ હાઇવે પર આગળ ચાલી રહેલા ટ્રકના પાછળના ભાગમાં અન્ય ટ્રક ઘૂસી જતાં ટ્રક ચાલકનું મોત થયું હતું. પોલીસે અકસ્માત અંગે મૃતક ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માળીયા(મી) નજીક કંડલા નેશનલ હાઇવે ઉપર પાયક સોલ્ટના કારખાના સામે ગઈકાલ તા.05/07ના રોજ વહેલી સવારે ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રક ચાલક આરોપી રીલુ પ્રધાન અરબીંદાપ્રધાન ઉવ.27 રહે.લક્ષની પો.સ્ટ.કમીરા થાના.સુબલયા જી.સુબરનપુર (ઓડીસા) વાળાએ પોતાનો ટ્રક રજી.નં. જીજે-39-ટી-4194 ફૂલ સ્પીડમાં અને બેદરકારીપૂર્વક ચલાવીને આવી કચ્છના બાંડીયા ગામથી લાકડાનો જથ્થો લઈને અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રક રજી.નં. જીજે-11-ટીટી-1211 ના પાછળના ભાગમાં અથડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલક રીલુ પ્રધાન અરબીંદાપ્રધાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે માળીયા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માતના આ બનાવ અંગે માળીયા(મી) પોલીસે ફરિયાદી બળવંતસિંહ ઉમેદસિંહ જાડેજા ઉવ.59 રહે.ગરમડી તા.સાંતલપુ2 જી.પાટણ વાળાની ફરિયાદને આધારે મૃતક ટ્રક ચાલક રીલુ પ્રધાન સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
