મોરબીના વાંકડા ગામ નજીક પિતા પુત્રને જમીનના વિવાદમાં મારી નાખવાનું કાવતરૂ

ગત મહિને કારથી કચડવાનો પ્રયાસ કરી અકસ્માતમાં ખપાવવા ષડયંત્રનો પર્દાફાશ: ત્રણ આરોપીઓની ધરપકડ

મોરબી તાલુકાના નીચી માંડલથી વાંકડા ગામ તરફ જતા રસ્તા પર થયેલા અકસ્માતના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં હિટ એન્ડ રન અકસ્માત માનવામાં આવેલા કેસમાં મોરબી તાલુકા પોલીસે તપાસ દરમિયાન આ બનાવ પૂર્વયોજિત હત્યાના પ્રયાસનો હોવાનું બહાર લાવ્યું છે. જમીન વિવાદના ખારને કારણે ફરિયાદી પ્રાણજીવનભાઈ બાવરવા અને તેમના પુત્ર મેહુલભાઈને સ્કોર્પિયો કારથી ટક્કર મારી જાનથી મારી નાખવાનું કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે. ટેક્નિકલ તપાસ, સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલ ડિટેઇલના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી રૂ. 4 લાખની સ્કોર્પિયો કાર કબજે કરી છે. મળતી માહિતી અનુસાર, તા. 16 જૂન, 2026ના રોજ પ્રાણજીવનભાઈ અને તેમના પુત્ર મેહુલભાઈ મોરબી કોર્ટમાં મુદત પૂર્ણ કરીને મોટરસાયકલ (ૠઉં-03-ઉઇં-5109) પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નીચી માંડલથી વાંકડા ગામ તરફ કેનાલ પાસે અજાણી સ્કોર્પિયો કારના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કાર ચાલક પોલીસને જાણ કર્યા વિના ફરાર થઈ ગયો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન મેહુલભાઈ અને અન્ય સાક્ષીઓએ અકસ્માત કરનાર સ્કોર્પિયોમાં હરેશ દેવજીભાઈ સુરાણી હાજર હોવાનું જણાવ્યું હતું. સાથે જ ફરિયાદી પરિવાર અને ભુદરભાઈ વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદ તથા કોર્ટ કેસની વિગતો સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ બપોરથી જ ફરિયાદી કોર્ટથી પરત ફરે તેની રાહ જોતા હોવાનું અને મોટરસાયકલ નીકળતા જ પીછો કરીને નક્કી કરેલા સ્થળે ટક્કર માર્યાનું સામે આવ્યું હતું. વાહન માલિક હરેશ સુરાણીએ અકસ્માત સમયે સ્કોર્પિયો તેનો મિત્ર જગદીશ મકવાણા ચલાવતો હોવાનું કબૂલ્યું હતું. ત્રણેય આરોપીઓના મોબાઈલ કોલ ડિટેઇલમાં ભાવેશ ભુદરભાઈ બાવરવા અને હરેશ સુરાણી વચ્ચે સતત સંપર્ક તેમજ અકસ્માત બાદ જગદીશ સાથે થયેલા સંપર્કના આધારે પોલીસે તારણ કાઢ્યું કે જમીન વિવાદનો ખાર રાખીને ભાવેશ બાવરવાએ હરેશ સુરાણી સાથે મળી ફરિયાદી અને તેમના પુત્રની હત્યા કરવાનો ગુનાહિત પ્લાન બનાવ્યો હતો. આ માટે સ્કોર્પિયો કાર હરેશના નામે ખરીદવામાં આવી હતી અને જગદીશ મકવાણાને મોટરસાયકલ આપવાની લાલચ આપી અકસ્માતનો દેખાવ કરીને હત્યાનો પ્રયાસ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર પુરાવાના આધારે પોલીસે કેસમાં બી.એન.એસ.ની કલમ 109, 61(2) અને 54નો ઉમેરો કરી જગદીશ ખીમજીભાઈ મકવાણા, હરેશ દેવજીભાઈ સુરાણી અને ભાવેશ ભુદરભાઈ બાવરવાની અટકાયત કરી છે. બનાવમાં વપરાયેલી રૂ. 4 લાખની મહિન્દ્રા સ્કોર્પિયો કાર પણ કબજે લેવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ