સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતનો ભેદ ઉકેલાયો: ફરાર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી શહેરના કબ્રસ્તાન નજીક લઘુશંકા કરવા ગયેલા મૂળ નેપાળ દેશના શ્રમિક યુવકનું પાર્ક કરેલી બસ ચાલુ થતાં પાછળના ટાયરના જોટ્ટામાં આવી જતા મોત નીપજ્યું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે બસના ચાલક સામે સીટી એ ડિવિઝન પોકિસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, મોરબીમાં કબ્રસ્તાનથી રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર બનેલ દુર્ઘટનામાં મૂળ નેપાળ દેશના અને હાલ બેલા ગામે વીનઆર્ટ પેકેજીંગ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ પદમ બડુવાલનું મોત થતાં બસના ચાલક સામે મૃતકના કુટુંબી ભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેમાં ગત 15 જુલાઈના રોજ મૃતક ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ રજાના દિવસે તે ખરીદી માટે મોરબી આવ્યો હતો, પરંતુ રાત્રે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે તેની લાશ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મળી આવી હતી.
જે બાદમાં ટ્રેડ સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્ષના સીસીટીવી ફૂટેજ તપાસતાં જાણવા મળ્યું હતું કે કબ્રસ્તાનની દિવાલ પાસે પાર્ક કરેલી આઈસર બસ રજી.નં. જીજે-03-બીઝેડ-5436 અને દિવાલ વચ્ચેની જગ્યામાં મૃતક ગોપીન્દ્ર લઘુશંકા કરવા ગયો હતો. તે દરમિયાન બસના ચાલકે બસની આસપાસ કે નીચે કોઈ વ્યક્તિ છે કે નહીં તેની ખાતરી કર્યા વગર બેદરકારીપૂર્વક બસ હંકારી હતી. પરિણામે બસના પાછળના ટાયર નીચે આવી જતાં ગોપીન્દ્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક વાહન લઈને સ્થળ પરથી નાસી ગયો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી આઇસર બસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
