રોકડ, કાર, મોબાઈલ સહિત રૂા. 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
કચ્છ બોર્ડર રેન્જની ક્રાઇમ-2 ટીમે ખાનગી બાતમીના આધારે મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા આપ અને કોંગ્રેસના ગત મનપા ચૂંટણીના ઉમેદવારો સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે રોકડ, મોબાઇલ, વાહનો સહિત કુલ રૂ.5.24 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છ બોર્ડર રેન્જ ભુજની ક્રાઇમ-2 ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી-હળવદ રોડ નજીક ઘુંટુ ગામની સીમમાં આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ઓફિસની અંદર પૈસાની હારજીત સાથે ગંજીપાનાના પત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા 1)જગદીશભાઈ ભગવાનજીભાઈ અધારા(ગત મનપા ચૂંટણીમાં આપ ઉમેદવાર),(2)શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારીયા,(3)યોગેશભાઈ લખમણભાઈ પટેલ ઉવ.32 અને (4)જયેશભાઈ શાંતીલાલભાઈ કાલરિયા ઉવ.48 (ગત મનપા ચૂંટણી કોંગ્રેસ ઉમેદવાર)વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.આ સાથે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.1,85,300/-, ચાર નંગ મોબાઇલ ફોન કિ.રૂ.14,000/-, એક બ્રેઝા કાર રજી.નં. જીજે-36-એપી-9605, એક એક્ટિવા રજી.નં. જીજે-03-એચપી-9781 કિ.રૂ.25,000/-સહિત કુલ રૂ.5,24,300/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ ચારેય આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કચ્છ રેન્જ ક્રાઇમ-2ની ટીમે વધુ તપાસ ચલાવી છે.
