કુવા પાસે ગ્રામજનોનાં ટોળેટોળા ઉમટયા
મોરબી તાલુકાના વીરપરડા ગામમાં આવેલા રહસ્યમય કૂવામાં આજે ફરી એકવાર અચાનક વિચિત્ર હલચલ જોવા મળી હતી. કૂવાનું પાણી કોઈ બાહ્ય કારણ વગર આપમેળે હાલક-ડોલક થતું જોવા મળતાં ઘટનાએ ગ્રામજનોમાં ફરી કુતૂહલ જગાવ્યું છે.ઘટનાની જાણ થતાં કૂવા પાસે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અનેક લોકોએ આ અનોખી ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ આ જ કૂવામાં આવી જ પ્રકારની હલચલ જોવા મળી હતી. ત્યારબાદ આજે બપોર સુધી પાણી સંપૂર્ણપણે સ્થિર હતું, પરંતુ બપોરે અંદાજે 3 વાગ્યાના આસપાસ ફરીથી પાણીમાં રહસ્યમય હલચલ શરૂ થઈ હતી.
આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, સ્થાનિક ગ્રામજનોનું માનવું છે કે આ વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવતો હોવાથી જમીનની અંદર થતા સૂક્ષ્મ કંપન અથવા ભૂસ્તરીય હિલચાલના કારણે આવું બનતું હોઈ શકે છે. જોકે, આ માત્ર સ્થાનિકોનું અનુમાન છે અને તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.રહસ્યમય ઘટનાને લઈને લોકોમાં ચર્ચા ચાલી રહી છે, જ્યારે ઘટનાનું વૈજ્ઞાનિક કારણ શું છે તે હજુ અકબંધ છે.
