હળવદના ચરાડવા ગામે ગોડાઉનમાં થયેલ જીરું ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયા, ત્રણ ફરાર

મોરબી એલસીબી ટીમે ચોરીમાં ગયેલા જીરાના 92 બાચકા સહિત રૂ.12.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી 102 બાચકામાં ભરેલું 280 મણ જીરું રૂ.10.64 લાખની કિંમતનું ચોરી થયાના ગુનાનો મોરબી એલસીબીએ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા જીરાના 92 બાચકા ઉપરાંત બોલેરો મેક્સી ટ્રક સહિત કુલ રૂ.12,77,800/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે. હળવદ પોલીસ સ્ટેશનમાં તા.18/09ના રોજ જીરું ચોરી અંગે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેની ફરિયાદ મુજબ મોરબી હાઇવે રોડ પર ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાં ફરિયાદી અને તેમના ચાર ભાઇઓની સંયુક્ત ખેતીની ઉપજના જીરાના રાખવામાં આવેલ બાચકામાંથી કુલ 102 બાચકા 280 મણ જીરું કિ.રૂ.10.64 લાખ તે ગત તા.15/09ના સવારે 10 વાગ્યા પહેલા કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. ઉપરોક્ત ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ એલસીબી મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ હકીકતના આધારે મોરબી-ચરાડવા-હળવદ રોડ પર આઈટીઆઈ સામે જીઈબી સબ સ્ટેશન પાછળ દેવીપૂજકના ઝુંપડા પાસે પોલીસે તપાસ હાથ ધરતા જ્યાં ચોરીના મુદ્દામાલ સાથે આરોપી સુરજભાઇ ઉર્ફે સુરો સુખાભાઇ સોલંકી રહે.મોરબી મુળ રહે. મોટાકાજલીયાળા જી.જુનાગઢ, સુનિલ મુકેશભાઇ સોલંકી રહે. મોરબી મુળ રહે.દેવળીયા તા.જી.અમરેલી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઇ વિરમગામીયા રહે.સરધાર તા.જી.રાજકોટ તથા રાહુલ વિજયભાઇ દસકીયા રહે. મોરબી મુળ રહે.માધાપર(શામપર) તા.જોડીયા જી.જામનગર વાળા સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઇ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપૂજક અને વાઘજી દેવીપૂજકના નામ ખુલતા તેઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા જીરાના 92 બાચકા વજન 231 મણ કિ.રૂ.8,77,800/-, બોલેરો મેક્સી ટ્રક રજી.નં. જીજે-17-યુયુ-5175 કિ.રૂ.4 લાખ સહિત કુલ રૂ.12,77,800/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી સુરજભાઇ ઉર્ફે સુરો સુખાભાઇ સોલંકી સામે અગાઉ મોરબી શહેરના એ ડિવિઝન, મોરબી તાલુકા, રાજકોટ એરપોર્ટ અને ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, જીપી એક્ટ તથા ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સુનિલ મુકેશભાઇ સોલંકી સામે માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ઈંઙઈ કલમ 379 હેઠળનો તથા મોરબી શહેર એ ડિવિઝનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ