જેતપર સહીતના અનેક ગામના હજારો ખેડુતો જોડાયા
109 ખેડુતોનું વેલ્યુએશન પુર્ણ, 44 ખેડુતોના ખાતામાં મળવાપાત્ર રકમ જમા: કલેકટર
મોરબી જિલ્લામાં વીજલાઈન માટે ખેડૂતોની જમીનના વળતર મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે જેતપર સહિતના ગામોના એક હજારથી વધુ સંખ્યામાં ખેડૂતો મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની રજૂઆતો કરી હતી.
મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતોને માર્કેટ રેટ કમિટી (ખછઈ)ની પ્રક્રિયામાં જોડાવા અને 25 સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસના મુદ્દા નંબર-4ને લઈને ખેડૂતોમાં ખાસ રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ, મુદ્દા નંબર-4માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો ખેડૂત અથવા તેનો અધિકૃત પ્રતિનિધિ હાજર નહીં રહે તો તે ખેડૂત પોતાનો વેલ્યુઅર નિયુક્ત કરવા માંગતો નથી અને ખછઈની પ્રક્રિયામાં ભાગ લેવા માંગતો નથી તેમ માનીને આગળની કાર્યવાહી થઈ શકે છે.ખેડૂતોનો વાંધો છે કે તેઓ સરકારના 4 જુલાઈના પરિપત્રને જ સ્વીકારતા નથી, ત્યારે માત્ર નોટિસમાં દર્શાવેલી પ્રક્રિયા મુજબ હાજર ન રહેવાના આધારે તેમની સંમતિ હોવાનું માનવું યોગ્ય નથી. આ મુદ્દે ખેડૂતો દ્વારા કલેક્ટર સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે ખેડૂતોએ સ્પષ્ટીકરણ મળ્યા બાદ જ કલેક્ટર કચેરીનું પટાંગણ છોડવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ, કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું હતું કે આજની પ્રક્રિયામાં જમીનનો અંતિમ રેટ નક્કી કરવાનો નથી, પરંતુ ખેડૂતોને પોતાનો વેલ્યુઅર પસંદ કરવાની તક આપવામાં આવી રહી છે. વેલ્યુઅર નક્કી થયા બાદ ખેતર પર જઈને મૂલ્યાંકનની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ ખછઈમાં ભાવ અંગેની પ્રક્રિયા આગળ વધશે.તેમજ જે ખેડૂતો હાજર ન રહી શક્યા હોય તેઓને વધુ સમય આપવામાં આવશે અને નવી તારીખ પણ આપવામાં આવશે.પરંતુ આજે જે ખેડૂતો ને ખછઈ કરાવવા ઇચ્છુક છે તે ખેડૂતોની કામગીરી આગળ ધપાવવામાં આવી છે અને જે ખેડૂતો હાજર નથી રહ્યા કે નથી રહી શક્યા તેઓને વધુ સમય આપવામાં આવશે અને તે અંગેની જાહેરાત પણ કરવામાં આવશે.
કલેક્ટરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 109 ખેડૂતોનું વેલ્યુએશન પૂર્ણ થયું છે અને 44 ખેડૂતોને મળવાપાત્ર રકમ તેમના ખાતામાં જમા થઈ હોવાનું જણાવાયું છે. જે ખેડૂતો અત્યાર સુધી ખછઈમાં જોડાયા નથી તેમને પણ પોતાની પસંદગીનો પ્રતિનિધિ અને વેલ્યુઅર નિયુક્ત કરવાની તક આપવા માટે આજની કાર્યવાહી યોજાઈ હતી.
જોકે, ખેડૂતોનું આંદોલન યથાવત્ છે.ખેડૂતો દ્વારા વળતર મુદે વિવિધ માંગણીઓને લઈને આગળ પણ લડત ચાલુ રાખવાની અને મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
