મંત્રીના નિવેદનને લઈને જેતપુરમાં ચાલતા આંદોલનમાં જોડાયેલા ખેડૂતોમાં રોષ
મોરબીના જેતપર સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે દીવા પ્રગટાવવાના કાર્યક્રમને લઈને થયેલા વિરોધનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જાસપુર સ્થિત સંકુલમાં 76 હજાર દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. તેના બીજા દિવસે મોરબીના જેતપરના આશરે 20થી વધુ ખેડૂતો સંસ્થાના સંકુલ ખાતે પહોંચ્યા હતા અને તેમના ચાલી રહેલા આંદોલનની રજૂઆત સંસ્થાના આગેવાનો મારફતે વડાપ્રધાન સુધી પહોંચાડવાની માંગ કરી હતી. આ દરમિયાન બોલાચાલી થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
આ મામલે હવે મોરબી મહાનગરપાલિકાના કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂત આગેવાનોના વિરોધ અંગે પલટવાર કર્યો હતો. કાંતિભાઈ અમૃતિયાએ ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, મારા ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા છે. વિરોધ કરવો હોય તો મારા ઘરે આવી જાવ, વિરોધ કરવા અમદાવાદ જવાની જરૂર નથી.
તેમણે વિશ્વ ઉમિયાધામ ખાતે વિરોધ કરનારા આગેવાનો અંગે વધુમાં જણાવ્યું હતું કે, તમે લોકોએ ત્રણ પેઢીમાં સંસ્થામાં એક પણ રૂપિયો દાન આપ્યો નથી. જે કંઈ દાન આપ્યું છે એ અમે લોકોએ આપ્યું છે.કાંતિ અમૃતિયાએ વધુ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, પોચું હોય ત્યાં આંગળી ઘૂસાડવા જાઓ છો તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે મેં પણ માનતા રાખી છે, મારી પાસે આવો ને.ત્યારે કાંતિલાલ અમૃતિયા ના આ નિવેદનને લઈને રાજયવ્યાપી ખેડૂત આંદોલનનું એપી સેન્ટર અને કાંતિલાલ અમૃતિયાનું વતન જેતપર ખાતે ખેડૂત છાવણીમાં પણ રોષ જોવા મળ્યો છે.
