મોરબીમાં કોપરનો ભંગાર સસ્તામાં આપવાની લાલચ આપી ઠગાઈ કરનારા છ ઝડપાયા

પોલીસે ફરિયાદીને 10.50 લાખ પરત અપાવ્યા

મોરબીમાં કોપરનો ભંગાર સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર 6 આરોપીને ઝડપી પાડી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને રૂ. 10.50 લાખ પરત અપાવ્યાં હતા.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુના અનુસાર, આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને કોપરનો ભંગાર સસ્તા ભાવે ખરીદવાની લાલચ આપી હતી.એકબીજા સાથે મેળાપીપણું કરી ગુનાહિત આયોજનબદ્ધ રીતે કાવતરું રચીને આરોપીઓએ ફરિયાદી અને સાહેદ પાસેથી કુલ રૂ. 15,98,720/- ની રકમની ઠગાઈ આચરી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે સઘન તપાસ હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલા કુલ 6 (છ) આરોપીઓની અટકાયત કરી છે. સાથે જ, ગુનામાં ગયેલી રકમ પૈકી રૂ. 10,50,000/- ની રોકડ રકમ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી હતી.પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ મુદ્દામાલની આ રકમ કોર્ટના હુકમ મુજબ આજ રોજ “તેરા તુજકો અર્પણ” અંતર્ગત મૂળ ફરિયાદી તથા સાહેદને પરત સોંપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ