વિદેશથી આવતા અતિથિ પક્ષીઓનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ

પોરબંદરના પક્ષી અભ્યારણ્યની અગ્રણીઓએ લીધી મુલાકાત: જિલ્લાના 21 જેટલા જળપ્લાવિત વિસ્તારોમાં હાલ લાખો પક્ષીઓ કરી રહ્યા છે કલબલાટ

પોરબંદર તા.24
હાલમાં શિયાળામાં પોરબંદરના પક્ષી અભ્યારણ્ય સહિત 21 જેટલા જળપ્લાવિત વિસ્તારોમાં મોટીમાત્રામાં વિદેશી પક્ષીઓ આવ્યા છે ત્યારે તેઓનું રક્ષણ કરવું તે દરેક નાગરિકની ફરજ છે તેવી મહત્વની શીખ શિક્ષણપ્રેમીઓએ આપી હતી.
અહીંની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વિ.આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના પ્રમુખ, શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ સમગ્ર એશિયાખંડની શહેરની વચ્ચે આવેલા પોરબંદરના પક્ષીઅભ્યારણ્યની મુલાકાત તાજેતરમાં લીધી હતી.
પોરબંદરના પક્ષી અભિયારણ્યમાં ડો. વિરમભાઇ ગોઢાણીયાનું આગમન થતા ફોરેસ્ટર એમ.જી. ચૌહાણ, ફોરેસ્ટગાર્ડ ડી.કે. ઓડેદરા, વહિવટી કર્મચારી કારાભાઇ ખૂૂંટીએ મીઠો આવકાર આપીને તેઓનું અભિવાદન કર્યુ હતું.
ફોરેસ્ટર એમ.જી. ચૌહાણે પક્ષી અભિયારણ્યની વિગતો આપતા જણાવ્યું હતું કે સુદામા અને ગાંધીનગરીમાં શિયાળાની ગુલાબીઠંડીમાં ગુજરાતનું પક્ષીધામ બન્યું છે. ખાસ કરીને ફલેમીંગો (સુરખાબ) આકર્ષણરૂપ બની ગયા છે. પોરબંદરની આસપાસ આવેલા 21 જેટલા ખાટામીઠા પાણીના જળપ્લાવિત વિસ્તારોને લીધે ઠંડીની હાલની સિઝનમાં માત્ર સુરખાબ જ નહીં પરંતુ યુરોપ અને સાઇબેરીયાના દેશોમાંથી અનેક રંગબેરંગી પંખીઓ ગાંધીજન્મભૂમિના મહેમાન બનીને આવ્યા છે.આ પક્ષીઓ પૈકી 86 જેટલા પક્ષીઓ આ અભિયારણ્યમાં નિવાસ કરે છે. તેમણે પક્ષીઓની સારવાર, સહિતની વિગતો રજૂ કરી હતી.
આ પ્રસંગે શહેર મધ્યમાં આવેલું નયનરમ્ય પક્ષી અભ્યારણ્યને નિહાળીને અભિભુત થતાં ડો. વિરમભાઇ ગોઢાણીયાએ વનકર્મી અધિકારીઓને અભિયારણ્યની સ્વચ્છતા, પક્ષીઓ માટેનું સારવાર કેન્દ્ર પક્ષીઓના નામનિર્દેશવાળા બોર્ડ અને પક્ષી નિહાળવાનો ટાવર જોઇને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે પોરબંદરમાં સમગ્ર એશિયાખંડમાં શહેરની મધ્યે એકમાત્ર પ્રથમ પક્ષી અભિયારણ્ય છે જે પોરબંદરની પ્રજા માટે ગૌરવરૂપ છે. વિદેશીપક્ષીઓ આપણી આગવી ઓળખ છે તેને સાથે મળીને જતન કરવું જરૂરી છે. સાથે સાથે અતિથિ એવા વિદેશીપક્ષીઓનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે.
આજના આધુનિક યુગમાં માણસ પોતાનો સ્વાર્થ સાધવા પ્રકૃતિનો આડેધડ નાશ કરતો રહ્યો છે. જેથી પ્રકૃતિમાં રહેનાર દરેક સજીવોના જીવન ઉપર ખતરો ઉભો થયો છે. મનુષ્યના વ્યવહારના કારણે ઘણાં પશુ પક્ષી અને પ્રાણીઓ લુપ્ત થઇ ગયા છે. તો ઘણા લુપ્તતાના આરે છે. જો આવું જ બનતું રહ્યું તો પર્યાવરણની સમગ્ર જીવસૃષ્ટિ અને મનુષ્યજીવન ઉપર ખતરો ઉભો થશે. ભવિષ્યમાં આવી સ્થિતિ પેદા ન થાય અને માણસ અત્યારથી જ પ્રકૃતિ પ્રત્યે સભાન બને જે જરૂરી લેખાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં પક્ષી અભ્યારણ્ય તરીકે ઘોષિત થયેલ રણવિસ્તાર 14.33 હેકટર જેટલો છે જેમાં 9.33 હેકટર વિસ્તારમાં ફેલાયેલું સમગ્ર એશિયાખંડમાં એકમાત્ર શહેરની મધ્યે આવેલું આ પક્ષી અભ્યારણ્ય છે. જેમાં 86 જેટલા પક્ષીઓ નિવાસ કરી રહ્યાં છે. પક્ષીપ્રેમી મી.પીટર જેકશન 1981ની સાલમાં પોરબંદરની મુલકાતે આવેલા ત્યારે આ સુંદર સ્થળે આવીને રોમાંચિત બની ઉઠયા હતા અને તેના વિશે પ્રોજેકટ તૈયાર કરી તત્કાલીન વડાપ્રધાનને પ્રોજેકટ સુપરત કર્યો હતો ત્યારબાદ આ જગ્યાએ 1988ની સાલમાં ગુજરાતના વનવિભાગે નોટીફીકેશન બહાર પાડી પક્ષી અભિયારણ્ય તરીકે જાહેર કર્યુ હતું. 1990માં નગરપાલિકા પાસે થી આ જગ્યા હસ્તગત કરીને તેના વિકાસ હાથ ધરાયો હતો. આજે આ અભિયારણ્ય પોરબંદર પક્ષીજગતનું એક ઘરેણું છે. આજે પણ આ અભિયારણ્યની મુલાકાતે દેશ-વિદેશના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આઠ ફૂટ જેટલું પાણી જોવા મળે છે. ત્રણફૂટ પાણીમાં પક્ષીઓ રહેવા ટેવાયેલા છે. જેમાં 86 જાતના પક્ષીઓનો વસવાટ છે. જેમાં મોટી ચોટલી, ડૂબકી, નાની ડૂબકી ચોટલી, પેણ, ગુલાણી પેણ, મોટો કાજીયો, વચ્ચેટ કાજીયો, સર્પગ્રીવા, કબૂતર, પગલો, કાણી બગલી, ઢોંક બગલો, મોટો ધોળો બગલો, વચ્ચેટ ધોળો બગલો, નાના બગલા, દરિયાઇ બગલા, રાતો બગલો, પીળો ચાંચ ઢોંક, સફેદ કાંકણસાર, કાળી કાંકણસાર, નાનો હેન્જ, મોટો હેન્જ નાની સોસોટી, બતક, ટીલીયાળી બતક, રાખોડી કારચીયો, નીલસિંહ ગયણો, સિંગ પર ટપકી, સંતાકુકડી, કુંજ, ફલેમીંગો વગેરેનો સમાવેશ થાય છે. ડો. વિરમભાઇ ગોઢાણીયા સાથે ડો. વિ.આર. ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. ઇશ્ર્વરલાલ ભરડા ટ્રસ્ટનો અંગત સેક્રેટરી કમલેશભાઇ થાનકી જોડાયા હતા. તેઓએ પક્ષીઅભ્યારણ્યના વનકર્મી અધિકારી સામતભાઇ ભમર, ફોરેસ્ટર એમ.જી. ચૌહાણ સહિતના સ્ટાફને અભિયારણ્ય પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે અભિનંદન પાઠવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ